- મારું જીવન દેશને સમર્પિત , હું જેલમાં હોઉં કે બહાર: અરવિંદ કેજરીવાલ
નવીદિલ્હી, દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું પહેલું નિવેદન આવ્યું છે. ઈડી દ્વારા ધરપકડ બાદ અરવિંદ કેજરીવાલે કોર્ટમાં કહ્યું, ‘મારું જીવન દેશને સમર્પિત.’ દિલ્હી લિકર પોલિસી કેસમાં ED એ શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રીને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતાં જણાવી દઈએ કે ગઈકાલે રાત્રે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી, આમ આદમી પાર્ટી સહિત ભારતીય ગઠબંધનના તમામ પક્ષો ભાજપ અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે અને આ ધરપકડનો સખત વિરોધ કરી રહ્યા છે. આપનું કહેવું છે કે જ્યાં સુધી મુખ્યમંત્રી કેજરીવાલને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી આ અભિયાન ચાલુ રહેશે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. ત્યારથી આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આ સંબંધમાં વિરોધ કરતા સૌરભ ભારદ્વાજ અને આતિશીને પોલીસે કસ્ટડીમાં લીધા હતાં દિલ્હીના વિવિધ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. એક તરફ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. બીજી તરફ, દિલ્હી પોલીસે દિલ્હી સરકારના મંત્રીઓ આતિશી અને સૌરભ ભારદ્વાજને કસ્ટડીમાં લીધા હતાં પોલીસ દ્વારા કસ્ટડીમાં લીધા બાદ સૌરભ ભારદ્વાજે કહ્યું કે આ સંપૂર્ણ ગુંડાગીરી છે. અરવિંદ કેજરીવાલના પરિવારના સભ્યોને નજરકેદ કરવામાં આવ્યા છે. તેની માતા એક દિવસ પહેલા જ હોસ્પિટલમાંથી આવી હતી. તેમના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. પરિવારના સભ્યોને કોઈને મળવા દેવાયા નથી. શાંતિપૂર્ણ દેખાવો અટકાવવામાં આવી રહ્યા છે.
તેમણે કહ્યું કે સંપૂર્ણ સરમુખત્યારશાહી છે. તાનાશાહી માત્ર લોક્સભાની ચૂંટણી જીતવા માટે કરવામાં આવી રહી છે. જ્યાં પણ લોકો હશે ત્યાં વિરોધ થશે. આ પ્રદર્શન અટકશે નહીં. દમન ક્યારેય ક્રાંતિને અટકાવતું નથી. વડા પ્રધાન જેટલા વધુ દમન કરશે, તેટલા વધુ પ્રદર્શનો થશે. કેજરીવાલ દરેક ગલી, દરેક વિસ્તારમાં જન્મશે. દુનિયામાં નંબર ૧ ટ્રેન્ડ આઈ સ્ટેન્ડ વિથ કેજરીવાલ છે. આજે લોકો વ્યથિત છે કે કેન્દ્ર સરકાર કેવી રીતે ગુંડાગીરી કરીને તેને કચડી નાખવા માંગે છે. અમારી પાર્ટીને સોપારી કિંમતની પાર્ટી કહેવામાં આવી. આજે એ જ પક્ષને દબાવવા માટે કેન્દ્ર સરકાર ગુંડાગીરી કરી રહી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોર્ટ પાસે ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી ધરપકડ બાદ આજે ઈડીની ટીમે કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યો, જ્યાં કોર્ટે આ કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. ઈડ્ઢએ કેજરીવાલની ગુરુવારે દારૂ નીતિ કેસમાં તેમના ઘરેથી ધરપકડ કરી હતી. કોર્ટમાં કેજરીવાલ વતી હાજર થયેલા વકીલોએ રિમાન્ડ અરજી નામંજૂર કરવા અરજી કરી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવી હાજર થયો હતો. તેમણે કહ્યું કે ED સાબિત કરે કે કેજરીવાલની ધરપકડ કરવાની જરૂર કેમ છે? આ દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ સુનાવણી દરમિયાન કહ્યું કે મનીષ સિસોદિયાએ પણ આ કેસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પહેલા ૧૦ કરોડ અને પછી ૧૫ કરોડ રૂપિયા બુચી બાબુ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તે જ સમયે, જ્યારે કેજરીવાલ વતી ત્રણ વકીલો હાજર થયા, ત્યારે ઈડીએ વિરોધ કર્યો હતો અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ ઈડીએ કોર્ટ પાસે તેમના ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.ઈડીએ કહ્યું કે આ કેસમાં મોટી સંખ્યામાં ઈલેક્ટ્રોનિક પુરાવાઓને નષ્ટ કરવાનો ઈતિહાસ છે. મોટી સંખ્યામાં ફોન નાશ પામ્યા છે. આમ છતાં ઈડીએ ઉત્તમ તપાસ હાથ ધરી છે. ઈડીએ કહ્યું કે પ્રોસિક્યુશન કેસની તપાસ કરવામાં આવી છે અને સુપ્રીમ કોર્ટે તેને માન્ય રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે આ તમામ બાબતોની તપાસ કરી અને મનીષ સિસોદિયાને જામીન આપવાનો ઈક્ધાર કરી દીધો. તપાસના ઘણા સ્તરો છે, આપણે આ મામલાના તળિયે જવું પડશે. એટલે કેજરીવાલના રિમાન્ડ જરૂરી છે. ED એ કહ્યું કે, આરોપી નક્કી કરશે નહીં કે ધરપકડની જરૂર છે કે નહીં. તે સંપૂર્ણ રીતે તપાસ અધિકારીની વિવેકબુદ્ધિ પર આધાર રાખે છે કે તેને ક્યારે ધરપકડ કરવાની જરૂર છે.
એએસજીએ કહ્યું કે કૌભાંડ અને છેતરપિંડી થઈ હોવાના મજબૂત પુરાવા છે. ગોવાની ચૂંટણી માટે ભંડોળ એકત્ર કરવા આપ માટે આબકારી નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.ઈડીએ કોર્ટમાં કહ્યું કે આ કેસમાં સરકારી સાક્ષી બનેલા આરોપીના નિવેદનની સત્યતા પર ટ્રાયલ દરમિયાન જ ચર્ચા થઈ શકે છે. રિમાન્ડ દરમિયાન આ અંગે ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. કેજરીવાલના વકીલોએ સરકારી સાક્ષીઓ પર સવાલો ઉઠાવ્યા હતા. કેજરીવાલના વકીલે કહ્યું કે ઈડી કહે છે કે તેમની પાસે મારી વિરૂદ્ધ તમામ સામગ્રી હતી, તો પછી તમે આચારસંહિતા લાગુ થાય ત્યાં સુધી રાહ કેમ જોઈ? શું તમે આની રાહ જોઈ રહ્યા હતા? ચૂંટણીમાં ભાગ લેવો એ રાજકારણીનો અધિકાર છે. કેજરીવાલના વકીલ વિક્રમ ચૌધરીએ કહ્યું કે જે રીતે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે તે ઈડીની ઉતાવળ દર્શાવે છે.