દિલ્હીની યુટ્યૂબર નમરા કાદિરની ધરપકડ

  • બિઝનેસમેનને હનીટ્રેપ કરીને ૮૦ લાખ રૂપિયા લૂંટી લીધા હતા.
  • પ્રાઈવેટ કંપનીના માલિકને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.

નવીદિલ્હી,

દિલ્હી પોલીસે એક યુટ્યૂબરની ધરપકડ કરી છે જેણે એક બિઝનેસમેનને હનીટ્રેપ કરીને ૮૦ લાખ રૂપિયા લૂંટી લીધા હતા. નમરા કાદિર નામની આ યુટ્યૂબરે પ્રાઈવેટ કંપનીના માલિકને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.દિલ્હીમાંથી નમરાની ધરપકડ કરી મજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાં તેને ૪ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવી. આ કેસમાં નમરાનો પતિ અને સહ-આરોપી મનીષ ઉર્ફે વિરાટ બેનીવાલ હાલ ફરાર છે. પોલીસના કહેવા અનુસાર તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું કે નમરા કાદિરે પોતાનો ગુનો કબૂલી લીધો છે અને તેને રિમાન્ડ પર લેવામાં આવી છે. વિક્ટિમ પાસેથી તેણે લીધેલા પૈસા અને સામાન રિકવર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેના પતિને પણ ટૂંક સમયમાં શોધી ધરપકડ કરવામાં આવશે. નમરા કાદિર ૨૨ વર્ષની છે અને યુટ્યૂબ પર તેના ૬.૧૭ લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. બાદશાહપુરના ૨૧ વર્ષીય દિનેશ યાદવે ઓગસ્ટમાં તેની સામે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ નમરા અને તેના પતિએ વચગાળાના જામીન માટે કોર્ટમાં અરજી કરી દીધી.

એડવર્ટાઇઝિંગ ફર્મ ચલાવતા બિઝનેસમેન દિનેશે પોલીસને જણાવ્યું કે થોડા સમય પહેલા તે નમરાના સંપર્કમાં આવ્યો. ત્યારે તેનો પતિ વિરાટ બેનીવાલ પણ સાથે હતો. નમરા કાદિરે પોતાની ચેનલ પર બિઝનેસને પ્રમોટ કરવા માટે ૨ લાખ રૂપિયા માગ્યા.

દિનેશે વધુમાં કહ્યું, ’થોડા દિવસો પછી કાદિરે મને કહ્યું કે તે મને પસંદ કરે છે અને લગ્ન કરવા માગે છે. એ પછી અમે બંને સારા મિત્રો બની ગયા. ઓગસ્ટમાં હું નમરા અને વિરાટ બેનીવાલ સાથે ક્લબમાં ગયો, જ્યાં તેઓએ રાત્રે એક રૂમ બુક કરાવ્યો. બીજા દિવસે સવારે જ્યારે હું જાગ્યો તો કાદિરે મારી પાસેથી તમામ બેંકકાર્ડ અને સ્માર્ટ વોચ માગી. તેણે મને ધમકી આપી કે જો હું તેની વાત નહીં માનું તો મને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેશે. દિનેશના કહેવા મુજબ બંને જણાએ મળીને રૂપિયા ૮૦ લાખથી વધુની રકમ અને ગિટની વસ્તુઓ લીધી છે. જ્યારે આ સમગ્ર વાત દિનેશે તેના પિતાને જણાવી તો તેઓ તેને લઈ પોલીસમાં ફરિયાદ કરવા આવ્યા.