નવીદિલ્હી,
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા છે. ૩૦ સેકન્ડથી વધુ સમય સુધી આ ઝટકા અનુભવાયા. નેપાળમાં પણ ભૂકંપ અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫.૮ માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિન્દુ નેપાળમાં હતું. દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ અનેક જગ્યાએ ભૂકંપના આંચકા મહેસૂસ કરાયા.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યાં મુજબ બપોરે ૨.૨૮ વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૮ની હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં જમીનની ૧૦ કિમી અંદર હોવાનું કહેવાય છે. આ અગાઉ ૫ જાન્યુઆરીએ પણ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકાનો અનુભવ થયો હતો. જમ્મુ કાશ્મીરમાં પણ ધરતી હલી હતી. તે વખતે ભૂકંપની તીવ્રતા ૫.૯ હતી.
ભૂકંપ આવવા પાછળ શું કારણ હોય છે તે પણ જાણવું જરૂરી છે. ધરતીની અંદર ૭ પ્લેટ્સ હોય છે જે સતત ઘૂમતી રહે છે. આ પ્લેટ્સ જે જગ્યાએ સૌથી વધુ ટકરાય છે તેને ફોલ્ટ લાઈન ઝોન કહેવામાં આવે છે. વારંવાર ટકરાવવાથી પ્લેટ્સના ખૂણા વળી જાય છે. જ્યારે પ્રેશર વધવા લાગે છે ત્યારે પ્લેટ્સ તૂટવા લાગે છે. તેમના તૂટવાના કારણે અંદરની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે. આ ડિસ્ટર્બન્સ બાદ ભૂકંપ આવે છે.