દિલ્હીના મહેરૌલીમાં ડિમોલેશન અભિયાન શરૂ, લોકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

નવીદિલ્હી,

દિલ્હીના મહેરૌલીમાં દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીનું ડિમોલેશન અભિયાન આજે ચોથા દિવસે પણ ચાલુ છે. આ દરમિયાન અતિક્રમણ વિરોધી ઝુંબેશને લઈને હોબાળો થયો હતો. સ્થાનિકો કહે છે અમે તેમને એક કલાક રાહ જોવાનું કહ્યું હતું, ત્યાં સુધીમાં સ્ટે ઓર્ડર આવી જશે. અમે સ્ટે ઓર્ડર માટે અરજી કરી હતી. આ ગુંડાગીરી છે. પરંતુ તેઓ રાહ જોવા તૈયાર નથી.

અગાઉ, મહેરૌલીમાં ડિમોલેશન ઝુંબેશ દરમિયાન રવિવારે પણ વાતાવરણ ડહોળાયું હતું, જ્યારે સ્થાનિક લોકોએ ડીડીએ અધિકારીઓ અને પોલીસકર્મીઓ સાથે ઘર્ષણ કર્યું હતું. એવા અહેવાલો પણ હતા કે દિલ્હી પોલીસે સ્થિતિને સામાન્ય બનાવવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો, પરંતુ અધિકારીએ આ વાતને નકારી કાઢી હતી.

મહેરૌલી વિસ્તારમાં ડીડીએની અતિક્રમણ ડિમોલેશનનો રવિવારે ત્રીજો દિવસ હતો. પરિસ્થિતિની ગંભીરતાને જોતા આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. પોલીસનો આરોપ છે કે સ્થાનિક મહિલાઓએ તેમના પર પથ્થરમારો કર્યો હતો, જો કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી. પોલીસે જણાવ્યું હતું કે તેઓએ અમારા પર મરચાનો પાવડર પણ ફેંક્યો હતો. અમે સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સ્થાનિક રહેવાસીઓનો આરોપ છે કે જ્યારે મકાનો બાંધવામાં આવ્યા હતા ત્યારે સત્તાવાળાઓએ દખલગીરી કરી હતી અને હવે વહીવટીતંત્ર તેમના મકાનો તોડવા માટે પુરી તાકાત સાથે આવ્યું છે. આમ આદમી પાર્ટીએ ડીડીએને ડિમોલેશન ઝુંબેશ રોકવા વિનંતી કરી છે.