નવીદિલ્હી,
નવી દિલ્લી: દિલ્લીના ધારાસભ્યોના પગાર અને ભથ્થાં વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. દિલ્લી સરકારે ધારાસભ્યો અને મંત્રીઓના પગારમાં વધારો કરવાની દરખાસ્ત પસાર કર્યાના સાત મહિના પછી કાયદા, ન્યાય અને વિધાનસભા બાબતોના વિભાગે વધેલા પગારની સૂચના આપી છે. પગારમાં લગભગ ૬૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ધારાસભ્યોને હવે દર મહિને કુલ ૯૦,૦૦૦ રૂપિયાનો પગાર મળશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગયા વર્ષે જુલાઈમાં ધારાસભ્યો, મંત્રીઓ, સ્પીકર, ડેપ્યુટી સ્પીકર, વિપક્ષના નેતા અને મુખ્ય દંડકના પગારમાં સુધારો કરવા માટે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા પાંચ અલગ-અલગ બિલને આ વર્ષે ૧૪ ફેબ્રુઆરીએ મંજૂરી આપી હતી. રાષ્ટ્રપતિની સંમતિના દિવસથી નવો પગાર લાગુ થઈ ગયો છે.
ધારાસભ્યોને પહેલા ૫૪,૦૦૦ રૂપિયા પગાર મળતો હતો જે હવે વધીને ૯૦,૦૦૦ રૂપિયા થઈ ગયો છે. દિલ્લીના ધારાસભ્યોના પગાર અને ભથ્થામાં છેલ્લે નવેમ્બર ૨૦૧૧માં શીલા દીક્ષિત સરકાર હેઠળ સુધારો કરવામાં આવ્યો હતો. ૨૦૧૫માં જંગી જનાદેશ સાથે ચૂંટાયા પછી, આપ ધારાસભ્યોએ તેમના પગારમાં નોંધપાત્ર વધારો કરવાની માંગ કરી હતી, એવી દલીલ કરી હતી કે તેમના પરિવારો અને ઓફિસની જાળવણી માટે હાલની ભથ્થાઓ પર્યાપ્ત નથી. . સાંસદોનો મૂળ પગાર મહિને ૧૨,૦૦૦થી વધારીને ૩૦,૦૦૦ અને પ્રધાનોનો પગાર ૨૦,૦૦૦થી વધારીને ૬૦,૦૦૦ પ્રતિ માસ કરવામાં આવ્યો છે.
દિલ્લી સરકારના કાયદા, ન્યાય અને કાયદાકીય બાબતોના વિભાગે ગુરુવારે પગાર અને ભથ્થાંમાં વધારા માટે એક સૂચના જાહેર કરી હતી. ૨૦૧૧ પછી આ પ્રકારનો આ પહેલો સુધારો છે. તાજેતરનો પગારવધારો ૧૪ ફેબ્રુઆરીથી અમલમાં આવ્યો જ્યારે રાષ્ટ્રપતિએ આ પગલાંને તેમની સંમતિ આપી. સત્તાધારી આમ આદમી પાર્ટીના ચીફ વ્હીપ દિલીપ કુમાર પાંડેએ કહ્યુ કે વધારો કરવા છતાં, દિલ્લીમાં દેશમાં સૌથી ઓછા પગાર ધરાવતા ધારાસભ્યો છે. પાંડેએ જણાવ્યુ હતુ કે, અમે પગાર અને ભથ્થાંમાં સુધારાની મંજૂરીને આવકારીએ છીએ, પરંતુ દિલ્લી એ દેશમાં રહેવાની સૌથી વધુ કિંમત ધરાવતા શહેરોમાં હોવા છતાં, અમે હજુ પણ સૌથી ઓછા પગારવાળા છીએ.