
નવીદિલ્હી, દિલ્હીમાં એક ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલે સાઉથ કોરિયાના યુટ્યૂબર પાસેથી ૫,૦૦૦ રૂપિયા પડાવી લીધા. ટ્રાફિકના નિયમો તોડવાના આરોપમાં આ રૂપિયા દંડ તરીકે લેવામાં આવ્યા હતા, પરંતુ તેની કોઈ રસીદ આપવામાં આવી ન હતી. આ કેસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ પછી દિલ્હી પોલીસે તે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરીને તપાસ શરૂ કરી છે.
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કોન્સ્ટેબલે વાહન રોક્યું. પછી તેણે યુટ્યૂબરને કહ્યું કે ખોટી લેનમાં વાહન ચલાવવા બદલ ૫,૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે. યુટ્યૂબર પોલીસકર્મીને સમજી શક્યો નહીં અને તેને ૫૦૦ રૂપિયા આપવા લાગ્યો. જ્યારે પોલીસકર્મીએ ના પાડી તો યુટ્યૂબરે તેને ૫૦૦૦ રૂપિયા આપી દીધા.આ પછી, યુટ્યૂબરે પોલીસકર્મીને હાથ જોડીને આભાર કહ્યું અને તેની સાથે હાથ મિલાવ્યો. કદાચ ત્યારે તે સમજી શક્યો ન હોત કે તેની પાસેથી લાંચ લેવામાં આવી રહી છે.
રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના લગભગ એક મહિના જૂની છે. વીડિયોમાં દેખાતા કોન્સ્ટેબલનું નામ મહેશ ચંદ છે. તે જ સમયે, દક્ષિણ કોરિયાના નાગરિકના યુટ્યૂબ પર ૧૩ લાખ ૪૦ હજાર સબસ્ક્રાઇબર્સ છે.
દિલ્હી પોલીસે ટ્વિટ કર્યું કે સોશિયલ મીડિયા પોસ્ટની નોંધ લેતા, વીડિયોમાં દેખાતા પોલીસકર્મીને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસની ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ છે.