દિલ્હીના આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની આગોતરા જામીન અરજી ફગાવી

  • કોઈ ધારાસભ્ય કાયદાથી ઉપર નથી,દિલ્હી હાઇકાર્ટ

નવીદિલ્હી, દિલ્હી વક્ફ બોર્ડમાં ભરતી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી હાઈકોર્ટે આપ ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટે કહ્યું કે ઈડી દ્વારા વારંવાર સમન્સ જારી કરવા છતાં અમાનતુલ્લા ખાન તપાસમાં જોડાયા નથી. તેમનું વલણ તપાસમાં અવરોધ ઊભું કરવા જેવું છે. જનપ્રતિનિધિ હોવાને કારણે તે પોતાની જવાબદારીઓ ટાંકીને તપાસમાં જોડાવાનું ટાળી શકે નહીં. કોર્ટે કહ્યું કે કાયદો દરેક માટે સમાન છે. કોઈપણ ધારાસભ્ય કે જનપ્રતિનિધિ કાયદાથી ઉપર નથી.

નોંધનીય છે કે આપ ધારાસભ્ય અમાનતુલ્લા ખાન પર દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે કામ કરતી વખતે નિયમો અને સરકારી માર્ગદશકાનું ઉલ્લંઘન કરીને વિવિધ લોકોની ગેરકાયદેસર ભરતી કરવાનો આરોપ છે. ED એ આરોપ લગાવ્યો છે કે અમાનતુલ્લા ખાને દિલ્હી વક્ફ બોર્ડમાં કર્મચારીઓની ગેરકાયદેસર ભરતીના બદલામાં મોટી રકમ લીધી છે. અમાનતુલ્લાએ આ પૈસા પોતાના સહયોગીઓના નામે રિયલ એસ્ટેટ ખરીદવા માટે પણ રોક્યા હતા.

અમાનતુલ્લા ખાન વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ દિલ્હી વક્ફ બોર્ડ દ્વારા ભરતીમાં કથિત અનિયમિતતા સાથે જોડાયેલી છે. આરોપ છે કે દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે કામ કરતી વખતે ખાને ગેરકાયદેસર રીતે ૩૨ લોકોની ભરતી કરી હતી. આ મામલામાં EDપહેલાથી જ ઓખલાના ધારાસભ્યના પરિસરમાં દરોડા પાડી ચૂકી છે. ED એ દાવો કર્યો છે કે ખાને દિલ્હી વક્ફ બોર્ડમાં કર્મચારીઓની ગેરકાયદેસર ભરતીમાંથી ગુનાની મોટી કમાણી મેળવી છે.

અમાનતુલ્લા ખાનની આગોતરા જામીન અરજી પર સુનાવણી કરતા ન્યાયાધીશે કહ્યું, તપાસ એજન્સીના સમન્સની વારંવાર અવગણના કરવી એ તપાસમાં અવરોધ ઉભો કરવા સમાન છે. તપાસમાં અવરોધ ઉભો કરવો એ ન્યાયના વહીવટમાં અવરોધ ઊભો કરવા સમાન છે અને આને મંજૂરી આપવાથી સરકાર પરના વિશ્ર્વાસને નુક્સાન થાય છે. ફોજદારી ન્યાય પ્રણાલી અને અરાજક્તા સર્જે છે. કોર્ટે કહ્યું કે ધારાસભ્ય કાયદાથી ઉપર નથી. કોર્ટે વધુમાં કહ્યું કે લોકોને સત્ય જાણવાનો અધિકાર છે. તપાસ એજન્સીને સહકાર આપતી જાહેર વ્યક્તિ એ જાહેર સેવા છે અને લોકોને તપાસ એજન્સી દ્વારા કરવામાં આવેલા આરોપોની સત્યતા જાણવાનો અધિકાર છે.