દિલ્હીમાં મેટ્રો સ્ટેશન પર ’ખાલિસ્તાન ઝિંદાબાદ’ના સૂત્રો લખેલાં મળતાં ખળભળાટ

નવીદિલ્હી, દેશમાં હાલ લોક્સભા ચૂંટણીનો ધમધોકાટ જોવા મળી રહ્યો છે. ત્રણ તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ આવતીકાલે ૧૩મીએ ચોથા તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે દિલ્હીમાં મેટ્રો સ્ટેશન પર ’ખાલિસ્તાન ઝિંદાબાદ’ના સૂત્રો લખેલાં મળતાં ખળભળાટ મચ્યો છે. આ સૂત્રો લખારનું નામ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

મળતા અહેવાલો મુજબ દિલ્હીમાં મેટ્રો સ્ટેશન પર ’ખાલિસ્તાન ઝિંદાબાદ’ના સૂત્રો લખેલા હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે મેટ્રો સ્ટેશન પહોંચી કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત ત્યાં લખેલા દેશ વિરોધી સૂત્રોને પણ દૂર કરી દેવાયા છે. પોલીસે સ્ટેશન પર સૂત્રો લખનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી દીધી છે તેમજ સીસીટીવી ફુટેજ પર તપાસવામાં શરૂ કરી દીધા છે.

મીડિયા રિપોર્ટ મુજબ ’ખાલિસ્તાન ઝિંદાબાદ’ સૂત્રકાંડમાં અમેરિકાના બેઠેલા કુખ્યાત ખાલિસ્તાની આતંકવાદી ગુરુપવંત સિંહ પન્નૂ નું નામ આવ્યું છે. તેણે સોશિયલ મીડિયા પર કહ્યું કે, દિલ્હી મેટ્રો સ્ટેશન પર આ સૂત્રો મારા ઈશારે લખાયા છે. હાલ દિલ્હી પોલીસ અને મેટ્રો પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ માર્ચ મહિનામાં દિલ્હીના પંજાબી બાગ મેટ્રો સ્ટેશન પર એક થાંભળા પર ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રો લખાયા હતા. જ્યારે આ પહેલા ૨૬ જાન્યુઆરીએના થોડા દિવસો પહેલા ઉત્તર નગર વિસ્તારમાં એક સરકારી સ્કૂલની દિવાલો પર ખાલિસ્તાનના સમર્થનમાં વાતો લખાઈ હતી.