દિલ્હી-મુંબઈમાં રમાનારા વર્લ્ડકપના મેચમાં આતશબાજી નહી યોજવા નિર્ણય

નવીદિલ્હી, દેશમાં શિયાળાના આગમન સાથે જ જે રીતે પ્રદુષણની સમસ્યા વધી રહી છે અને ખાસ કરીને દિલ્હી-મુંબઈ ને વિશ્ર્વના સૌથી પ્રદુષીત શહેરોમાં સ્થાન મળ્યું છે તે પછી ક્રિકેટ બોર્ડ દ્વારા હવે આ બન્ને શહેરોમા ક્રિકેટ વર્લ્ડકપના મેચમાં આતશબાજી નહી યોજવા નિર્ણય લીધો છે. દિલ્હીમાં ફટાકડા ફોડવા પર અગાઉ જ પ્રતિબંધ છે અને તેથી ક્રિકેટ બોર્ડ પણ તેમાં જોડાયુ છે.ગુરૂવારે ભારત અને દક્ષિણ આફ્રિકાનો મુંબઈના વાનખેડે સ્ટેડીયમ અને સોમવારે ફિરોજશા કોટલા- દિલ્હીમાં બાંગ્લાદેશ-શ્રીલંકાના મેચ છે.

ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે એક વાતચીતમાં જણાવ્યું કે, અમોએ આ મુદો આઈસીસી સમક્ષ ઉઠાવ્યો હતો અને નિર્ણય લીધો કે મુંબઈ-દિલ્હીમાં મેચ સમયે કોઈ આતશબાજી થશે નહી. કારણ કે તેનાથી પ્રદુષણનું સ્તર વધી શકે છે અને ક્રિકેટ બોર્ડ પ્રદુષણ સામેના જંગમાં સામેલ છે.

અમો તેના માટે પ્રતિબંધ છીએ. દર્શકોના હિતમાં પણ આ નિર્ણય જરૂરી હતો. ક્રિકેટ બોર્ડ આ રીતે એક મજબૂત સંદેશ આપવા માંગે છે અને આ એક જનહિતનો મુદો છે. લોકોમાં પણ તેનાથી પર્યાવરણ અંગે જાગૃતિ આવશે અને આ મુદો સમજ સામે લાવવો જરૂરી છે.

હાલમાં જ એક આંતરરાષ્ટ્રીય રિપોર્ટ મુજબ દિલ્હીએ વિશ્ર્વનું ત્રીજા નંબરનું અને મુંબઈ એ ચોથા નંબરનું સૌથી પ્રદુષિત શહેરો છે અને શિયાળામાં તે પ્રદુષણ ચરમસીમાએ પહોંચશે. જેનાથી લોકોના આરોગ્ય સામે મોટો ખતરો સર્જાયો છે.