
દિલ્હીમાં પહેલીવાર કોઈ રાજકીય પક્ષે ટ્રાન્સજેન્ડરને ચૂંટણી માટે ટિકિટ આપી હતી બોબી વર્ષ ૨૦૧૭માં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પણ અપક્ષ ઉમેદવાર તરીકે લડી ચૂક્યા છે પરંતુ આ વખતે દિલ્હીની એમસીડી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બોબી કિન્નરે સુલતાનપુરી-એ વોર્ડ ૪૩માંથી ટિકિટ આપી હતી અને તેઓ આજે જાહેર થયેલા ચુંટણી પરિણામમાં જીત હાંસલ કરી છે. બોબીએ પોતાની જીત બાદ કહ્યું કે તેઓ અણ્ણા આંદોલન અને બાદમાં પાર્ટીની રચના થઈ ત્યારથી આપ સાથે જોડાયેલા છે.અને પાર્ટીએ મારા પર વિશ્ર્વાસ વ્યકત કરી મને ટિકિટ આપી હતી અને જનતાના આશીર્વાદથી મને જીત હાંસલ થઇ છે.
તેમણે કહ્યું કે દિલ્હીમાં પહેલીવાર કોઈ રાજકીય પક્ષે ટ્રાન્સજેન્ડરને ચૂંટણી માટે ટિકિટ આપી હતી. વોર્ડમાં સામાજિક કાર્યો દ્વારા છાપ છોડનાર બોબી કિન્નર સર્વેમાં ટોચના સ્થાને જોવા મળ્યા હતા અને તેને નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. બોબી વર્ષ ૨૦૧૭માં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પણ અપક્ષ ઉમેદવાર તરીકે લડી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે જનસેવા જ તેમનું લક્ષ્ય છે.
૩૮ વર્ષીય બોબી કિન્નર ’હિન્દુ યુવા સમાજ એક્તા એવમ એન્ટી ટેરરિઝમ કમિટી’ના દિલ્હી યુનિટના પ્રમુખ પણ છે. બોબી છેલ્લા ૧૫ વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલા છે. બોબીએ ૯મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. બોબી કિન્નરનો પરિવાર અને ખાસ કરીને તેનો નાનો ભાઈ આ જીતથી ખૂબ જ ખુશ છે.
પોતાના વિસ્તારની સમસ્યાઓનો ઉલ્લેખ કરતા બોબી કિન્નરે કહ્યું હતું કે સામાન્ય લોકોને નાના કામો અને દસ્તાવેજો કરાવવા માટે લાંચ આપવી પડે છે. પરંતુ ભ્રષ્ટાચાર ખતમ કરવાનું કામ કરીશ. હું અધિકારીઓને લાંચ લેવા નહીં દઉં અને જાહેર કામો મફતમાં કરાવીશ. તેમણે પોતાને વિજય બનાવવા માટે જનતાનો આભાર વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતું કે વિસ્તારના વિકાસ માટે રાત દિવસ મહેનત કરીશ