
નવીદિલ્હી, દિલ્હી મેટ્રો સ્ટેશન પર રાષ્ટ્ર વિરોધી સૂત્રો લખનારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પંજાબમાંથી બંનેની ધરપકડ કરી છે. તેણે શીખ ફોર જસ્ટિસના ચીફ ગુરપતવંત સિંહ પન્નૂના કહેવા પર મેટ્રો સ્ટેશનો પર ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રો લખ્યા હતા. આ માટે તેને લગભગ ચાર લાખ રૂપિયા મળ્યા. મળતી જાણકારી અનુસાર બે લોકો પંજાબથી ભારત વિરોધી નારા લખવા આવ્યા હતા.દિલ્હી પોલીસે આ મામલે એફઆઇઆર નોંધી છે. આ ઘટના ૨૬ ઓગસ્ટના રોજ રાત્રે ૮ થી ૧૧ વાગ્યાની વચ્ચે બની હતી. આ ઘટના બાદ આતંકી પન્નૂએ વીડિયો જાહેર કરીને તેની જાણકારી આપી હતી.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી એચજીએસ ધાલીવાલે કહ્યું, “આ ઘટનામાં બે આરોપી છે, પ્રિતપાલ અને રાજવિંદર સિંહ. આ બંને પંજાબના ફરીદકોટના રહેવાસી છે. બંનેને પંજાબમાંથી અટકાયતમાં લેવામાં આવ્યા છે. પ્રિતપાલ સિંહની પંજાબમાં સ્થાનિક ફેક્ટરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના માટે પન્નૂએ બંનેને સાત હજાર ડોલર આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ તેણે માત્ર ૩૫૦૦ ડોલર જ આપ્યા હતા. આ સિવાય અગાઉ પણ તેના ઘરમાં કોઈ બીમાર પડતાં તેણે પ્રિતપાલને એક લાખ રૂપિયા મોકલ્યા હતા.
જણાવી દઈએ કે દિલ્હીના આઠ મેટ્રો સ્ટેશનને નિશાન બનાવીને તેમની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. આ સાથે લખ્યું હતું કે ખાલિસ્તાન ઝિંદાબાદ અને દિલ્હી-પંજાબ ભારતનો ભાગ નથી. ખાલિસ્તાન સમર્થકોએ શિવાજી પાર્ક, માડીપુર, પશ્ર્ચિમ વિહાર, ઉદ્યોગ નગર, મહારાજા સૂરજમલ સ્ટેડિયમ, સરકારી સર્વોદય બાલ વિદ્યાલય નાંગલોઈ, પંજાબી બાગ અને નાંગલોઈ મેટ્રો સ્ટેશન પર આ સૂત્રો લખ્યા હતા. જોકે, માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચી પોલીસે તમામ સૂત્રો હટાવીને કેસ નોંયો હતો.
અમેરિકામાં બનેલી શીખ ફોર જસ્ટિસની શરૂઆત વર્ષ ૨૦૦૭માં થઈ હતી. આ સંગઠનનો મુખ્ય એજન્ડા ખાલિસ્તાન બનાવવાનો છે. અમેરિકામાં વકીલ અને પંજાબ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી ધરાવતા ગુરપતવંત સિંહ પન્નૂ જીહ્લત્નનો ચહેરો છે, જે સતત હેડલાઇન્સમાં રહે છે. ગુરપતવંત સિંહે જ ગણતંત્ર દિવસ પહેલા હિંસાની ધમકી આપી હતી. શીખ ફોર જસ્ટિસ સંસ્થાએ ગયા વર્ષે રેફરન્ડમ ૨૦૨૦નું આયોજન કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં વિશ્ર્વભરના શીખોને ભાગ લેવા માટે કહેવામાં આવ્યું હતું અને ખાલિસ્તાન બનાવવાના અભિયાનને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
વર્ષ ૨૦૧૯ માં, શીખ ફોર જસ્ટિસ પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને આ સંગઠન પર ભારતમાં રાષ્ટ્ર વિરોધી અભિયાન ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ સંગઠન પર એક્ટ હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર શીખ ફોર જસ્ટિસ સંગઠન પંજાબમાં લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ સાથે ખાલિસ્તાનની માંગને લઈને વિશ્ર્વના અનેક સ્થળોએ પ્રદર્શનો થયા હતા, જેના કારણે ભારતની છબી ખરાબ થઈ છે.
ગુરપતવંત સિંહ પન્નૂ પંજાબના ખાનકોટનો રહેવાસી છે. તેણે પંજાબ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. આ પછી તે વિદેશ ગયો હતો. ત્યારથી તે કેનેડા અને અમેરિકામાં રહે છે. તે વિદેશમાં રહીને ખાલિસ્તાની ચળવળ ચલાવી રહ્યો છે. આમાં તેને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇની મદદ મળે છે. તેણે શીખ ફોર જસ્ટિસ સંસ્થાની રચના કરી છે.