નવીદિલ્હી, દિલ્હી મેટ્રોના ગેટમાં સાડી ફસાઈ જવાથી એક મહિલાના મોત બાદ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને મૃતકના પરિવારને ૧૫ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. ગયા અઠવાડિયે, દિલ્હી મેટ્રો નેટવર્કની રેડ લાઇન પર ઇન્દ્રલોક મેટ્રો સ્ટેશન પર અકસ્માત બાદ એક મહિલા મુસાફરનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
મેટ્રો રેલવે (ક્લેઈમ પ્રોસિજર) નિયમો, ૨૦૧૭ની જોગવાઈઓ અનુસાર મૃતક રીનાના પરિવારને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. આ ઉપરાંત મૃતકના બાળકોને માનવતાવાદી સહાય તરીકે ૧૦ લાખ રૂપિયાની વધારાની રકમ પણ આપવામાં આવશે. મૃતક મહિલાના બંને બાળકો સગીર હોવાથી, ડીએમઆરસી હાલમાં કાયદેસરના વારસદારને રકમ સોંપવાની પદ્ધતિ નક્કી કરવામાં વ્યસ્ત છે.
આ સિવાય ડીએમઆરસી બંને બાળકોના ભણતરનું પણ ધ્યાન રાખશે.ડીએમઆરસી દ્વારા તમામ જરૂરિયાતોને ઝડપી બનાવવા માટે વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ નિર્દેશ આપ્યો છે કે દિલ્હી મેટ્રો મેનેજમેન્ટ દ્વારા બાળકોની સંભાળ અને શિક્ષણ સુનિશ્ચિત કરવામાં આવે.
આ ઘટના ૧૪ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ ઈન્દ્રલોક મેટ્રો સ્ટેશન પર બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા તેના ૧૦ વર્ષના પુત્ર સાથે તેના મામાના ઘરે જઈ રહી હતી. નાંગલોઈથી મેટ્રો લઈને તે ઈન્દરલોક મેટ્રો સ્ટેશન પહોંચી. ત્યાંથી તેણે બીજી મેટ્રો લેવાનું શરૂ કર્યું. ત્યારબાદ મહિલાની સાડી મેટ્રોના ગેટમાં ફસાઈ ગઈ અને મેટ્રો આગળ વધવા લાગી. જેના કારણે મહિલા મેટ્રો પ્લેટફોર્મ સાથે લાંબા અંતર સુધી ખેંચાતી રહી.
આ દરમિયાન મુસાફરો સ્ટેશન પર બૂમો પાડતા રહ્યા. પરંતુ, મેટ્રોનો દરવાજો ખૂલ્યો ન હતો. મેટ્રો ટ્રેન પ્લેટફોર્મની પેલે પાર ગઈ. ગેટ પર ફસાયેલી મહિલા પ્લેટફોર્મના છેડે આવેલા ગેટ સાથે અથડાઈ અને મેટ્રોના પાટા પર પડી. જેના કારણે મહિલાને માથામાં ગંભીર ઈજા થઈ હતી.આ પછી તેને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં શનિવારે તેનું મોત થયું હતું. આ અકસ્માત મહિલાના ૧૦ વર્ષના પુત્ર હિતેન્દ્રની સામે થયો હતો. કમિશનર ઓફ મેટ્રો રેલવે સેફ્ટી આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.