
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાહનો માટે પ્રદૂષણ પ્રમાણપત્ર મેળવવું હવે મોંઘુ થઈ ગયું છે. દિલ્હી સરકારે ૧૩ વર્ષ બાદ પ્રદૂષણ પરીક્ષણ દરમાં વધારો કર્યો છે. હવે દિલ્હીમાં પેટ્રોલ, સીએનજી અથવા એલપીજી ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરના પ્રદૂષણ પરીક્ષણ માટે ૮૦ રૂપિયા ખર્ચવા પડશે.
પરિવહન પ્રધાન કૈલાશ ગેહલોતે જણાવ્યું હતું કે દિલ્હી સરકારે લગભગ ૧૩ વર્ષના અંતરાલ પછી પેટ્રોલ, સીએનજી અને ડીઝલ વાહનો માટે પ્રદૂષણ હેઠળ નિયંત્રણ (પીયુસી) પ્રમાણપત્રોની ફીમાં વધારો કર્યો છે. તેમણે કહ્યું કે ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર માટે પીયુસી સટફિકેટની ફી રૂ. ૬૦થી વધારીને રૂ. ૮૦ અને ફોર વ્હીલર માટે રૂ. ૮૦થી વધારીને રૂ. ૧૧૦ કરવામાં આવી છે.
ગેહલોતે કહ્યું કે ડીઝલ વાહનો માટે પીયુસી પ્રમાણપત્ર ફી ૧૦૦ રૂપિયાથી વધારીને ૧૪૦ રૂપિયા કરવામાં આવી છે. ભારે વાહનોના પ્રદુષણ પ્રમાણપત્રો પણ મોંઘા થયા છે. હવે લોકોએ દિલ્હીમાં વાહનોના પ્રદૂષણની તપાસ માટે તેમના ખિસ્સા ખર્ચવા પડશે.
કૈલાશ ગેહલોતે કહ્યું કે દિલ્હી પેટ્રોલ ડીલર્સ એસોસિએશનની લાંબા સમયથી પડતર માંગણીઓ અને પ્રદૂષણ તપાસ સેવાઓની વધતી કિંમતને યાનમાં રાખીને, અમે દરોમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. અમે દિલ્હીની હવાની ગુણવત્તા જાળવવા અને તમામ વાહનો જરૂરી પ્રદૂષણના ધોરણોને પૂર્ણ કરે તેની ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં ૨૦૧૧થી અત્યાર સુધી બાઇક માટે ૬૦ રૂપિયા, કાર માટે ૮૦ રૂપિયા અને ડીઝલ વાહનો માટે ૧૦૦ રૂપિયામાં પીયુસી બનાવવામાં આવી હતી. પરંતુ હવે તેના દર વધી ગયા છે.