દિલ્હીમાં યુવકે શંકાને પગલે લીવ ઈન પાર્ટનર પર કર્યા ચાકૂના અસંખ્ય ઘા, યુવતીને ૮૫૦ ટાંકા આવ્યા

નવીદિલ્હી, દિલ્હીમાં બનેલી એક દર્દનાક ઘટનામાં લીવ ઈનમાં રહેતી યુવતીને તેના પાર્ટનરે ચાકૂના અસંખ્ય ઘા મારીને ઘાયલ કરી નાંખી હતી. યુવતીને શરીર પર ૮૫૦ ટાંકા લેવા પડયા છે અને તે હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. યુવતીના ચારિત્ર્ય પર શંકા કરીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

દિલ્હીમાં ૧૫ એપ્રિલના રોજ બનેલા આ બનાવમાં માથા ફરેલા પ્રેમીએ પોતાની લીવ ઈન પાર્ટનરના શરીર પર ચાકૂના એટલા ઘા માર્યા હતા કે ડોક્ટર પણ યુવતીની હાલત જોઈને ચોંકી ઉઠ્યા હતા. યુવતીને સારવાર અર્થે હિંદુ રાવ હોસ્પિટલમાં દાખલ કરવામા આવી છે જ્યા તેના શરીર પર ૮૫૦ થી વધુ ટાંકા લેવા પડ્યા છે.

ઉત્તર દિલ્હીના રૂપનગર વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ કમલાનગરના રહેવાસી ભરતે એપ્રિલ મહિનામાં જણાવ્યું હતું કે ૨૦૧૧માં તેની બહેનના લગ્ન થયા હતા. પરંતુ પતિ પત્ની વચ્ચે કેટલાક વિવાદોને પગલે તેઓ અલગ રહેતા હતા. બાદમાં મહિલાએ જવાહરનગરમાં રહેવાનું શરૂ કર્યું હતું. પોલીસનું રહેવું છે કે છ સાત વર્ષ પહેલા ભરતની બહેનને રિંકુ નામના યુવક સાથે પ્રેમ થયો હતો. રિંકુ કમલાનગરની એક જુતાની દુકાનમાં કામ કરતો હતો.બાદમાં બન્ને લીવ ઈન રીલેશનમાં સાથે રહેવા લાગ્યા હતા. જોકે થોડા સમય બાદ તેમની વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. રિંકુ સાથે ઝઘડો થતા યુવતી રિંકુને છોડીને કમલાનગરમાં એક પીજીમાં રહેવા લાગી હતી.

પોલીસના જણાવ્યા મુજબ ૧૫ એપ્રિલના રોજ ભરતને સવારે પીજીમાંથી ફોન આવ્યો હતો. જેમાં તેની બહેન પર ચાકૂથી હુમલો કરીને તેનું ગળુ કાપી નાંખવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. તેણે ઘટનાસ્થળે જઈને જોયું તો તેની બહેન લોહીલુહાણ હાલતમાં પડી હતી. તેના ગળા અને આખા શરીર પર ઈજાના નિશાન હતા.સારવાર માટે તેને હિંદુરાવ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં તેને ૮૫૦થી વધુ ટાંકા લેવામાં આવ્યા હતા. જોકે આરોપી તે સમયે ફરાર થઈ ગયો હતો. જોકે તે તેના સંબંધીઓ અને મિત્રો સાથે ફોન પર વાત કરતો રહેતો હતો. પોલીસે તેનું લોકેશન મેળવતા ગુજરાતમાં મળ્યું હતું. બાદમાં દિલ્હી પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસ પુછપરછમાં રિંકુએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.