દિલ્હીમાં રાજ્યસભાની ત્રણ બેઠકોની ચૂંટણીઓ આગામી માસમાં: ભાજપ ’ખેલ’ નાખશે?

2024ના પ્રારંભે જ આમ આદમી પાર્ટીને અને તેના વડા અરવિંદ કેજરીવાલને મુશ્કેલી વધે તેવા સંકેત છે. ચૂંટણીપંચે શુક્રવારે દિલ્હી 3 અને સીક્કીમ 1 રાજ્યસભા બેઠકો માટે જાહેરનામુ બહાર પાડ્યું છે અને તા.19 જુનના રોજ મતદાન યોજાશે. જો કે દિલ્હી વિધાનસભામાં જે રીતે આમ આદમી પાર્ટીની બહુમતી છે તેથી ત્રણેય બેઠકો આ પક્ષ જીતવા માટે સક્ષમ છે.

આમ આદમી પાર્ટીના 3 સાંસદો નિવૃત્ત થાય છે. જેમાં સંજયસિંહ દિલ્હીની શરાબ પોલીસી મુદે જેલમાં છે અને તેઓને રાજ્યસભામાં અભદ્ર ભાષાનો પ્રયોગ કરવા બદલ 24 જુલાઇથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને આ પક્ષના અન્ય બે સભ્યો સુશીલકુમાર ગુપ્તા અને નારાયણદાસ ગુપ્તાનો કાર્યકાળ પણ 27 જાન્યુઆરીએ સમાપ્ત થાય છે. હવે સંજયસિંહ જેલમાં છે અને તેઓ જેલમાંથી ફરી ચૂંટણી લડશે તેવા સંકેત છે. આમ આદમી પાર્ટી અન્ય બે ઉમેદવારો પસંદ કરી શકે છે.

હાલ રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિપશ્યાના શિબીરમાં છે. અને તા.1ના રોજ પરત આવશે અને તા.3ના રોજ તેઓને શરાબકાંડમાં એન્ફોર્સમેન્ટ વિભાગ સમક્ષ હાજર થવાનું સમન્સ છે. જે ત્રીજુ સમન્સ છે અને અગાઉના બે સમન્સ છે. સમન્સનો કેજરીવાલે હાજર થવાનો ઇન્કાર કરીને ઇડીને પડકાર ફેંક્યો છે અને હવે તેઓ ફરી હાજર થશે કે કેમ તે પ્રશ્ન છે.

દિલ્હી વિધાનસભામાં 70 બેઠકોમાંથી 62 આમ આદમી પાર્ટી છે. જ્યારે ભાજપ પાસે 8 છે. અને તેથી ચૂંટણીમાં જો કોઇ નવા સમીકરણો ન સર્જાય તો આપના ત્રણેય ઉમેદવારો વિજેતા બનશે. કેજરીવાલ તા.3ના રોજ હાજર ન થાય તો એન્ફોર્સમેન્ટ વિભાગ તેમની સામે શું પગલા લઇ શકે તેની ચર્ચા છે. અને હાજર થાય તો પૂછપરછ બાદ તેમની ધરપકડ પણ થઇ શકે છે.

સુત્રોના જણાવ્યા મુજબ આ સ્થિતિમાં ભાજપ સંભવત: મોટો ખેલ નાખી શકે છે. અને રાજ્યની સરકારને અસ્થીર કરીને કે આમ આદમી પાર્ટીમાં ભંગાણ પાડીને રાજ્યસભાની એક બેઠક કબજે કરવા પ્રયાસ કરશે. અગાઉ દિલ્હીમાં ત્રણેય બેઠકો માટે અલગ-અલગ મતદાનનો ચુકાદો દિલ્હી હાઇકોર્ટે આપ્યો છે. અને ભાજપ કોઇ સેબોટેજ કરે તો કેજરીવાલ માટે મુશ્કેલ સ્થિતિ બની શકે છે.