દિલ્હીમાં પોસ્ટર વોર:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર બાદ હવે રાજધાનીમાં કેજરીવાલ હટાવોના પોસ્ટર્સ લાગ્યા

  • મને કોઈ પરેશાની નથી, કોઈની ધરપકડ કરતા નહીં : કેજરીવાલ

નવીદિલ્હી,રાજધાની દિલ્હીમાં પોસ્ટર વોર શરુ થઈ ગયું છે. વડાપ્રધાન મોદી સામેના પોસ્ટર લગાવાયાના બે દિવસ બાદ દિલ્હીમાં અનેક જગ્યાએ દિવાલો પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પોસ્ટર પર કેજરીવાલ હટાવોના નારા લખવામાં આવ્યા છે. આ મામલે કેજરીવાલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ પોસ્ટરથી મને કોઈ જ પરેશાની નથી. હાં પણ કોઈની ધરપકડ કરતા નહીં.

બે દિવસ પહેલા દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. તેના પર લખ્યું હતું – ’મોદી હટાઓ, દેશ બચાવો’. જેવા જ આ પોસ્ટરો લગાવાયાની માહિતી સામે આવી, પોલીસે ૩૬ FIR નોંધી હતી. પ્રિન્ટિંગ પ્રેસના બે માલિકો સહિત ૬ લોકોની ધરપકડ કરી હતી. આમ આદમી પાર્ટીની બહાર એક વાનમાંથી ૧૦,૦૦૦ પોસ્ટર પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, અપ્રમાણિક, ભ્રષ્ટાચારી, તાનાશાહ કેજરીવાલને હટાવો, દિલ્હી બચાવો. આ પોસ્ટરની નીચે ભાજપના નેતા મનજિંદર સિંહ સિરસાનું નામ લખ્યું છે. તેમણે એક ટ્વીટમાં આ પોસ્ટર શેર કરીને જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલે દારૂ કૌભાંડ, બસ કૌભાંડ, સ્કૂલ કૌભાંડ આચરીને ભ્રષ્ટાચાર આચર્યો છે.

સિરસાએ કહ્યું કે જો લોક્સભાની ટિકિટ વેચવી હોય, રાજ્યસભાની ટિકિટો વેચવી હોય, તો અરવિંદ કેજરીવાલે બધું જ કર્યું છે. તે કટ્ટર અપ્રમાણિક માણસ છે. જ્યારે માણસ સાચું બોલે તો તેનું નામ છુપાવવાની જરૂર નથી પડતી. એટલા માટે મેં આજે દિલ્હીની અંદર પોસ્ટરો લગાવ્યા છે અને તેની નીચે મારું નામ લખેલું છે.

આ બાબતે કેજરીવાલે કહ્યું હતું કે તેમણે આ પોસ્ટર જોયા છે અને તેમને તેનાથી કોઈ જ પરેશાની નથી. લોકશાહીમાં દરેક વ્યક્તિને આવા પોસ્ટર લગાવવાનો અધિકાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મને સમજાતું નથી કે મોદીજીને પોતાની સામેના લાગેલા પોસ્ટરથી પરેશાની કેમ થઈ રહી છે.

કેજરીવાને વધુમાં કહ્યું હતું કે પ્રિંટિંગ પ્રેસના માલિક સહીત પોસ્ટર લગાવનારા ૬ ગરીબ લોકોની ધરપકડ કેમ કરવામાં આવી છે. આથી જાણી શકાય છે કે પીએમ કેટલા ડરેલા છે. શું ફરક પડી ગયો જો ચાર લોકોએ તમારી સામે પોસ્ટર લગાવી દીધા. આ સારું નથી લાગતું કે આટલા શક્તિશાળી વડાપ્રધાને આવા મુદ્દા પર ડીલ કેમ કરી છે.

કે. કવિતાની ઈડી પૂછપરછને લઈને લગભગ ૧૨ દિવસ પહેલા, હૈદરાબાદમાં ભાજપે પર નિશાન બનાવતા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરોમાં દર્શાવ્યું છે કે હિમંતા બિસ્વા સરમા, જ્યોતિરાદિત્ય સિંધિયા, નારાયણ રાણે અને શુભેન્દુ અધિકારી સહિત ઘણા નેતાઓ, જેઓ અગાઉ અન્ય પક્ષોમાં હતા, તેઓ દરોડા પછી ભાજપમાં જોડાઈ ગયા. હવે કોઈ તપાસ એજન્સી તેમને પરેશાન કરતી નથી. જ્યારે કવિતા અને ED ની રેડ બાદ પણ બદલાયા નથી, પોસ્ચરમાં કવિતા માટે લખ્યું છે કે સાચા રંગ ક્યારેય ઝાંખા પડતા નથી. પોસ્ટરમાં સૌથી નીચે બાય બાય મોદી લખવામાં આવ્યું છે.