દિલ્હીમાં પથ્થરમારો અને ગોળીબાર, હિંસામાં બે લોકોના મોત, એક ઘાયલ

દિલ્હીમાં ગઈકાલે બે જૂથો વચ્ચે જૂની અદાવતના કારણે પથ્થરમારો અને ગોળીબાર થયો હતો. જેમાં એક જૂથના બે લોકોના મોત થયા હતા અને બીજા જૂથની એક વ્યક્તિ ઘાયલ થઇ હતી. અશોક વિહારના પાસે જેલરવાલા બાગમાં ગઈકાલે સાંજે બે જૂથોમાં પથ્થરમારો થયો અને એક બીજા પર ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. મળેલી માહિતી મુજબ ગેરકાયદે સટ્ટાબાજીના ધંધા પર નિયંત્રણ મેળવવા માટે હિંસા ફાટી નીકળી હતી, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ઉત્તર પશ્ચિમ દિલ્હીના ડીસીપી જિતેન્દ્ર કુમાર મીનાએ જણાવ્યું કે, ‘અથડામણમાં બે લોકોના મોત થયા છે, જેમની ઓળખ સાહિલ ઉર્ફે રઘુ (24) અને અજય ભુરા (25) તરીકે થઈ છે. જ્યારે અન્ય એક વ્યક્તિ રવિકાંત ઉર્ફે ડબલુ (30) ઘાયલ થયો હતો. ડબલુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બંને પક્ષો દ્વારા અશોક વિહાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવામાં આવ્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બંને કેસની તપાસ બે નિરીક્ષકોના નેતૃત્વમાં શરૂ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ, ‘સાંજે 7:00 વાગ્યાની આસપાસ ગાડીમાં રઘુ સહિત ઓછામાં ઓછામાં ત્રણ લોકો જેલરવાલા વિસ્તારમાં પહોંચ્યા હતા. તેમની પાસે બંદુક અને ધારદાર હથિયારો હતા. શેરીઓમાં ફરતા તેમને વિરોધી ગેંગનો ડબલુ મળ્યો જેના પર તેઓએ ફાયરિંગ કરી હતી. ડબલુને ગોળી વાગી અને તે મદદ માટે લોકોને બોલાવવા લાગ્યો. હુમલાખોરોએ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ દરમિયાન ડબલુના સમર્થકોએ જવાબી ફાયરિંગ શરૂ કરી હતી. આ દરમિયાન રઘુ અને ભૂરાને ગોળી વાગી અને ભીડે તેમનાં પર છરીથી હુમલો કર્યો હતો. જેથી બંનેના મોત થયા હતા. સૂચના મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ડબલુને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.’ પોલીસ તે વ્યક્તિની તલાસ કરી રહી છે જે રઘુ અને ભૂરા સાથે ત્યાં પહોંચ્યો હતો.

પોલીસના એક અધિકરીએ જણાવ્યું હતું કે, ‘છેલ્લા કેટલાક સમયથી બંને જૂથો વચ્ચે દુશ્મનાવટ હતી. બંને જૂથો વચ્ચે ઘણી વખત અથડામણ પણ થઇ હતી. મળેલી માહિતી મુજબ અશોક વિહાર અને તેના આસપાસના વિસ્તારમાં ગેરકાયદે સટ્ટાબાજી પર નિયંત્રણને લઈને બંને જૂથો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યું હતું, થોડા દિવસો પહેલા રઘુ અને ભૂરા ડબલુના વિસ્તારમાં આવ્યા હતા અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.’ પોલીસ મામલાની તપાસ કરી રહી છે.