દિલ્હીમાં પાડોશીએ ગર્ભવતી મહિલાની હત્યા કરી:ડીજે વગાડવાની ના પાડતા ગોળી મારી, ગર્ભમાં ઉછરી રહેલાં બાળકનું પણ મોત

નવીદિલ્હી,દિલ્હીમાં ડીજે વગાડવાનો વિરોધ કરવા બદલ પાડોશીએ ગર્ભવતી મહિલાને ગોળી મારી. પરિવારે મહિલાને હોસ્પિટલમાં દાખલ કરી, જ્યાં મહિલાનું મિસકેરેજ થઈ ગયું. રવિવારે સારવાર દરમિયાન મહિલાનું પણ મોત થઇ ગયું. આ કેસમાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું કે આ મામલો દિલ્હીના સિરસપુર વિસ્તારનો છે. ૩ એપ્રિલે અહીં રહેતા હરીશના ઘરે પાર્ટી હતી. તેઓ ઘરમાં ડીજે વગાડી રહ્યા હતા. પાડોશમાં રહેતી ૮ મહિનાની ગર્ભવતી રંજૂએ આ બાબતે વાંધો ઉઠાવ્યો હતો. બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને હરીશે ગુસ્સામાં રંજૂ પર ગોળી ચલાવી હતી જે તેના ગળામાં વાગી હતી. પરિવારજનોએ મહિલાને મેક્સ હોસ્પિટલમાં દાખલ કરી હતી. ડોક્ટરોએ જણાવ્યું કે મહિલાનું મિસકેરેજ થઈ ગયું છે. ૯ એપ્રિલના રોજ તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ૩ એપ્રિલના રોજ સમાચાર મળ્યા કે એક મહિલાને પાડોશીએ ગોળી મારી છે. ગળામાં ગોળી વાગી હોવાથી મહિલા નિવેદન આપી શકે તેવી સ્થિતિમાં નહોતી. ઘટના સમયે તેની ભાભી સ્થળ પર હાજર હતી, જેના નિવેદનના આધારે પોલીસે ગુનો નોંયો હતો. રવિવારે હોસ્પિટલમાંથી સમાચાર મળ્યા કે મહિલાનું મૃત્યુ થયું છે. મહિલા બિહારની રહેવાસી છે. તેનો પતિ દિલ્હીમાં મજૂર તરીકે કામ કરે છે, અહીં તેઓ ભાડાના મકાનમાં રહે છે.

હરીશે તેના મિત્ર અમિતની બંદૂકથી રંજૂ પર ફાયરિંગ કર્યું હતું. આરોપી હરીશ ડિલિવરી બોય છે અને અમિત મોબાઈલ રિપેરિંગની દુકાનમાં કામ કરે છે. પોલીસે હરીશ અને અમિતની ધરપકડ કરી છે. અગાઉ પોલીસે આ કેસમાં હત્યાના પ્રયાસની કલમો હેઠળ કેસ નોંયો હતો. મહિલાના મોત બાદ કેસમાં હત્યાની કલમ પણ ઉમેરવામાં આવી છે.