દિલ્હીમાં એનડીએની બેઠકમાં સરકાર બનાવવા પર વિચારણા કરાઇ; ભારતના ઘટક પક્ષો પણ એક બેઠક યોજશે

દિલ્હીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ની બેઠક મળી હતી આ બેઠકમાં એનડીએના ઘટક જેડીયુ,એલજેપી,ટીડીપી,જેડીએસ અને શિવસેના નેતાઓ હાજર હતા. બેઠકમાં સરકારની રચના અંગે ચર્ચા થઈ હતી.આ બેઠકમાં નરેન્દ્ર મોદીના નામની વડાપ્રધાન તરીકે પસંદ કરવાની વાતને મંજુરી આપવામાં આવી હતી. જનતા દળ યુનાઈટેડના સાંસદ સંજય કુમાર ઝાએ કહ્યું કે નીતીશ કુમાર એનડીએની બેઠકમાં સામેલ થયા હતા. બેઠકમાં તમામ ઘટક પક્ષોના નેતાઓએ તેમના વિચારો વ્યક્ત કર્યા અને એનડીએને ત્રીજી વખત જનાદેશ આપવા બદલ જનતાનો આભાર માન્યો. તેમણે વધુમાં કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનશે અને ટૂંક સમયમાં તમામ સાંસદોની બેઠક યોજવામાં આવશે.

એનડીએની બેઠક પહેલા, શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ પણ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનાવવા માટે તેમનો ટેકો આપ્યો હતો. દિલ્હીમાં એનડીએની બેઠકમાં બંને પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. મહારાષ્ટ્રમાં શિવસેનાએ સાત અને એનસીપીએ એક બેઠક જીતી છે.

તેલુગુદેશમ પાર્ટી (ટીડીપી) ભાજપ પછી બીજા નંબરની સૌથી મોટી ઘટક પાર્ટી છે. તેના વરિષ્ઠ નેતા કનકમેદલા રવિન્દ્ર કુમારે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે આંધ્ર પ્રદેશમાં ભાજપ અને જનસેના સાથેનો અમારો પ્રી-પોલ કરાર માત્ર રાજકીય અંકગણિતનો સોદો નથી, પરંતુ તે વિશ્વસનીયતા નું બંધન છે. બીજી તરફ ટીડીપીના વડા એન ચંદ્રબાબુ નાયડુએ એનડીએની બેઠકમાં હાજરી આપી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં એનડીએના ઘટક પક્ષોના તમામ નેતાઓ હાજર છે. જેડીયુના નીતિશ કુમાર, ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ, લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના નેતા ચિરાગ પાસવાન, આરએલડીના વડા જયંત ચૌધરી, શિવસેના (શિંદે) એકનાથ શિંદે અને પવન કલ્યાણ પણ હાજર રહ્યાં હતાં પીએમ આવાસ પર એનડીએની બેઠકમાં ગઠબંધનના નેતા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામને મંજૂરી આપવામાં આવી હતી.

તમામ નેતાઓએ ભાજપને સમર્થન આપ્યું હતું. જનતા દળ યુનાઈટેડના મહાસચિવ કેસી ત્યાગીએ કહ્યું કે અમે આદેશનું સન્માન કરીએ છીએ. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વિપક્ષી ભારત ગઠબંધનના સ્થાપકોમાં સામેલ છે. આવી સ્થિતિમાં તેઓ ફરી વિપક્ષી ગઠબંધનમાં જોડાઈ શકે તેવી અટકળો ચાલી રહી હતી.

અટકળો પર પૂર્ણવિરામ મુક્તા ત્યાગીએ કહ્યું કે જનતાનો નિર્ણય સર્વોપરી છે. જેડીયુએ એનડીએમાં રહીને ભાજપ સાથે ચૂંટણી લડી છે અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત કેન્દ્રમાં એનડીએની સરકાર બનશે.લોક જનશક્તિ પાર્ટી-રામ વિલાસના વડા ચિરાગ પાસવાને પણ કહ્યું હતું કે તેઓ કોઈપણ સંજોગોમાં એનડીએ છોડશે નહીં તેમણે કહ્યું, ’હું નરેન્દ્ર મોદીને અભિનંદન આપવા માંગુ છું જે દેશના આગામી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. તેમના નેતૃત્વમાં એનડીએ ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે. એનડીએનો ત્રીજો કાર્યકાળ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે, જેનું વચન તેમણે દેશને આપ્યું છે. આ સરકાર વિકાસ સાથે જોડાયેલા તમામ વચનો પૂરા કરશે. અમારી પાર્ટી અને અમારા સાંસદો એનડીએ સરકારને સમર્થન આપશે.

રાષ્ટ્રપતિ ભવનમાં નવી સરકારના શપથ ગ્રહણની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પરંપરા અનુસાર પીએમ મોદી ગુરુવારે નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. સૌથી મોટી પાર્ટી હોવાના કારણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમને આમંત્રિત કરશે.રિપોર્ટ્સ અનુસાર, ૭ જૂને સંસદીય દળની બેઠક થશે અને નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ બીજા દિવસે એટલે કે ૮ જૂને થઈ શકે છ લોક્સભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે અને ૫૪૩ લોક્સભા બેઠકોમાંથી ભાજપે ૨૪૦ અને કોંગ્રેસે ૯૯ બેઠકો જીતી છે.

ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનને ૨૯૨ અને કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી ગઠબંધનને ૨૩૪ બેઠકો મળી છે. પરિણામોથી સ્પષ્ટ છે કે દેશમાં આગામી સરકાર ગઠબંધનની જ હશે. વડાપ્રધાન મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, પરંતુ આ વખતે ભાજપને સરકાર ચલાવવા માટે સાથી પક્ષોના સમર્થનની જરૂર છે. ખાસ કરીને જેડીયુ અને ટીડીપીનું સમર્થન જરૂરી રહેશે. દેશમાં ફરી એકવાર મોદી સરકાર બનવા જઈ રહી છે. જો કે આ વખતે ભાજપ પાસે બહુમતી નથી. આવી સ્થિતિમાં એનડીએની મદદથી સરકાર બનશે, અને મોટા કોઈ નિર્ણયો લેતા સમયે ભાજપે તેના સાથી પક્ષોનું પણ ધ્યાન રાખવું પડશે.લોક્સભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે.

અબકી બાર, ૪૦૦ પારનો નારો લગાવનારી ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટી પોતાના દમ પર બહુમત હાસિલ કરવાનું ચૂકી ગઈ છે. છેલ્લા બે લોક્સભા ચૂંટણીના મુકાબલે આ વર્ષે પાર્ટીનું સૌથી ખરાબ પ્રદર્શન છે. પાર્ટી આ વખતે માત્ર ૨૪૦ સીટો પર જીતી રહી છે. પાછલી ચૂંટણીમાં ભાજપે ૩૦૩ સીટ જીતી હતી. પરંતુ એનડીએના સહયોગીઓની મદદથી ભાજપ ફરી સરકાર બનાવવાની સ્થિતિમાં છે. ખાસ વાત છે કે દેશના સાત રાજ્યો અને ૪ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પાર્ટી સંપૂર્ણ રીતે સાફ થઈ ગઈ છે.