જેરુસલેમ,ઈઝરાયેલની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે ભારતમાં તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી હતી અને એવી આશંકા વ્યક્ત કરી હતી કે નવી દિલ્હીમાં ઈઝરાયેલી દૂતાવાસ નજીક મંગળવારે થયેલો વિસ્ફોટ આતંકવાદી હુમલો હોઈ શકે છે. મંગળવારે સાંજે દૂતાવાસની નજીક વિસ્ફોટ થયો હતો અને સાઇટ પરથી અભદ્ર ભાષામાં ઇઝરાયેલના રાજદૂતને સંબોધિત એક પત્ર મળી આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
વિસ્ફોટ અંગે ઇઝરાયલી દૂતાવાસના પ્રવક્તા ગાય નીરે કહ્યું, “અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે લગભગ સાંજે ૫:૪૮ કલાકે દૂતાવાસની નજીક વિસ્ફોટ થયો હતો. દિલ્હી પોલીસ અને સુરક્ષા ટીમ હજુ પણ પરિસ્થિતિની તપાસ કરી રહી છે. ઈઝરાયેલની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે આ ઘટનાને ધ્યાનમાં રાખીને એક ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. ઇઝરાયેલના નાગરિકોને ભીડવાળા સ્થળો (મોલ અથવા બજારો) પર જવાનું ટાળવા અને એવા સ્થળોએ ન જવાની સલાહ આપવામાં આવી છે જે કોઈપણ રીતે યહૂદીઓ અથવા ઇઝરાયેલીઓ સાથે સંકળાયેલા હોય.
એડવાઈઝરીમાં ઈઝરાયેલના પ્રતીકો દર્શાવવાનું ટાળવું, મોટા પાયે ઈવેન્ટમાં હાજરી આપવાનું ટાળવું અને મુસાફરીની માહિતી આપવાનું ટાળવું અથવા ટ્રાવેલ ફોટો કે ટ્રાવેલ વિગતો સોશિયલ મીડિયા પર શેર કરવાનું ટાળવું શામેલ છે.તમે હાલમાં ક્યાં છો તે દર્શાવવા માટે કહેવામાં આવ્યું છે.
ઇઝરાયલના વિદેશ મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિસ્ફોટમાં કોઇ ઇજા થઇ નથી. મંત્રાલયે કહ્યું હતું કે, સ્થાનિક સત્તાવાળાઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે અને ઇઝરાયેલના સુરક્ષા દળો તેમને સમર્થન આપી રહ્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વિસ્ફોટ એમ્બેસીની નજીક સ્થિત સેન્ટ્રલ હિન્દી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની બહાર ગ્રીન બેલ્ટમાં થયા હતા. ત્યારબાદ તરત જ દિલ્હી. પોલીસ સ્પેશિયલ સેલની ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બાદમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની એક ટીમે પણ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદથી ઇઝરાયેલી દૂતાવાસની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.