દિલ્હીમાં ભીષણ ગરમીનો છેલ્લાં ૮૦ વર્ષનો રેકોર્ડ તૂટયો, હીટવેવના દિવસો બમણાં થયા

નવીદિલ્હી અને એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં આ વખતે ભીષણ ગરમી અને હીટવેવની મારે બધાને બેહાલ કરી દીધા. આ વખતની ગરમીએ દિવસના જ નહીં રાતના પણ રેકોર્ડ તોડયા છે. દિલ્હીમાં છેલ્લા ૮૦ વર્ષની ભીષણ ગરમી આ વખતે પડી છે. દિલ્હીમાં તાપમાને છેલ્લા ૮૦ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ઉત્તર ભારતના રાજ્યોમાં હીટ સ્ટ્રોકના લીધે અનેક લોકોના જીવ ગયા છે. ઉત્તર ભારતમાં ગરમી જબરદસ્ત ત્રાટકી છે. સમગ્ર દેશમાં લૂથી મરવાનો સિલસિલો જારી છે.

ગ્લોબલે વોમગના પ્રતાપે હીટવેવ નવી આફત બનીને ઉભરી આવ્યો છે. આ વર્ષે સૌથી લાંબા સમય સુધી હીટવેવ ચાલ્યા અને ભારે ગરમીના લીધે બીમાર થવાના ૨૫ હજારથી વધુ કેસો નોંધાયા.

યુરોપીયન ક્લાઇમેટ એજન્સી કોપરનિક્સ મુજબ મે ૨૦૨૪થી અત્યાર સુધીનો સૌથી વધુ ગરમ મહિનો હતો. ઉત્તરપશ્ર્ચિમ ભારત અને મય ક્ષેત્રમાં કેટલાક હિસ્સા પ્રચંડ ગરમીની ઝપેટમાં છે. આ વર્ષે દેશ સૌથી લાંબી અને ભીષણ ગરમીનો માર સહન કરી રહ્યો છે. આમ વર્ષ ૨૦૨૪ છેલ્લા ૧૫ વર્ષમાં સૌથી વધુ તીવ્ર અને સૌથી વધુ હીટવેવ ધરાવતા દિવસોવાળુ વર્ષ બનવા જઈ રહ્યું છે.

ભારતીય હવામાન વિભાગના આંકડા જણાવે છે કે પહેલી માર્ચથી ૯ જૂન વચ્ચે હીટવેવવાળા દિવસો ૧૫ દિવસથી પણ વધારે નોંધાયા છે. સામાન્ય રીતે આવા દિવસો ૬ થી ૮ દિવસ હોય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે છેલ્લા ૧૫ વર્ષમાં સૌથી વધુ હીટવેવવાળા દિવસો ૨૦૨૪માં આવ્યા છે. હીટવેવવાળા સૌથી વધુ દિવસો ધરાવતા રાજ્યમાં ઓડિશામાં ૨૭, રાજસ્થાનમાં ૨૩, પશ્ચિમ બંગાળ ૨૧, હરિયાણા ૨૦, ચંદીગઢ ૨૦, દિલ્હી ૨૦ અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ ૨૦ દિવસ સાથે આવે છે.