નવીદિલ્હી,
અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી સામે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હોવા છતાં ભગવા પાર્ટીએ મેયર પદ કબજે કરવાનો પ્રયાસ છોડ્યો નથી. ભાજપે મેયરની ચૂંટણીમાં આપને પડકાર આપવાનું નક્કી કર્યું છે. મેયર પદ માટે રેખા ગુપ્તા અને ડેપ્યુટી મેયર પદ માટે કમલ બાગડીની વરણી કરવામાં આવી છે. બંને આજે જ ઉમેદવારી પત્ર ભરવાના છે.
આપના શૈલી ઓબેરોયે સોમવારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર પદ માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું જ્યારે આલે મોહમ્મદ ઈકબાલે પણ ડેપ્યુટી મેયર પદ માટે નોમિનેશન ઉમેદવારી પત્ર ભર્યું. ૬ જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણી દરમિયાન પણ નામાંકન કરનાર કોઈપણ ઉમેદવાર પોતાનું નામ પાછું ખેંચી શકે છે. મેયર પદ માટે પ્રથમ વર્ષ મહિલા ઉમેદવાર તરીકે અનામત રહે છે અને મેયરનો કાર્યકાળ એક વર્ષનો હોય છે.
આપના ૨૫૦ સભ્યોના કોર્પોરેશનમાં ૧૩૪ કાઉન્સિલર છે જ્યારે ભાજપે ૧૦૪ વોર્ડ જીત્યા છે. મુંડકાના અપક્ષ કોર્પોરેટર ગજેન્દ્ર દરાલ મેયર પદની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા છે જેના કારણે ગૃહમાં ભાજપના કોર્પોરેટરોની સંખ્યા વધીને ૧૦૫ થઈ ગઈ છે. કોંગ્રેસ પાસે ૯ કોર્પોરેટર છે. ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત બાદ એમસીડીમાં મેયર પદની જંગમાં રોમાંચ જોવા મળી રહ્યો છે. વોર્ડની લડાઈમાં પાછળ રહીને ભાજપ કેજરીવાલની પાર્ટીને કેવી રીતે ટક્કર આપી શકે છે તે જોવું રસપ્રદ રહેશે.