નવીદિલ્હી, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં, ફતેહપુર બેરીમાં એક પત્નીની તેના પતિ દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો એક ક્રૂર હત્યાનો મામલો સામે આવ્યો છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર પતિએ એક મહિલાને ?૭૦,૦૦૦માં ખરીદી અને તેની સાથે લગ્ન કર્યા હતા. પરંતુ થોડા દિવસો પછી, તેણે તેની હત્યા કરી અને તેના મૃતદેહને દક્ષિણ પશ્ર્ચિમ દિલ્હીના ફતેહપુર બેરીના જંગલ વિસ્તારમાં ફેંકી દીધો. આરોપી પતિ ધરમવીર અને હત્યામાં મદદ કરનાર અન્ય બે અરુમ અને સત્યવાનની ધરપકડ કરવામાં આવી છે.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (દક્ષિણ) ચંદન ચૌધરીએ જણાવ્યું હતું કે તેમને ફતેહપુર બેરીમાં ઝિલ ખુર્દ બોર્ડર પાસેના જંગલમાં એક મહિલાના મૃતદેહ અંગે કોલ મળ્યો હતો. પોલીસે ઘટના સ્થળે દોડી જઈ લાશનો કબજો મેળવ્યો હતો. તે પછી, તેઓએ તપાસ શરૂ કરી અને તકનીકી અને મેન્યુઅલ સર્વેલન્સ દ્વારા, શનિવારે સવારે ૧.૪૦ વાગ્યે એક ઓટોરિક્ષાની હિલચાલ શંકાસ્પદ જોવા મળી હતી. ઓટોરિક્ષાનો રૂટ ટ્રેક કરવામાં આવ્યો હતો અને તેના રજીસ્ટ્રેશન નંબરની ઓળખ કરવામાં આવી હતી. ડીસીપીએ જણાવ્યું કે, તેનો ડ્રાઈવર અરુણ, જે છતરપુરનો રહેવાસી છે, ગદાયપુર બેન્ડ રોડ નજીકથી પકડાયો હતો.
અરુણે મૃતકની ઓળખ ધરમવીરની પત્ની સ્વીટી તરીકે કરી હતી. તેણે કબૂલાત કરી હતી કે તેણે અને તેના સાળા ધરમવીર અને સત્યવાન, બંને નાંગલોઈના રહેવાસીઓએ હરિયાણા સરહદ નજીક સ્વીટીની ગળું દબાવીને હત્યા કરી હતી અને લાશને જંગલમાં ફેંકી દીધી હતી. ડીસીપીએ કહ્યું કે અરુણે તેમને કહ્યું કે ધરમવીર તેની પત્નીના વર્તનથી ખુશ નથી કારણ કે તે કોઈ પણ માહિતી વિના મહિનાઓ સુધી તેના ઘરેથી ભાગી જતી હતી. તેણે એ પણ ખુલાસો કર્યો કે પીડિતાના માતા-પિતા કે પારિવારિક પૃષ્ઠભૂમિ વિશે કોઈ જાણતું નથી કારણ કે ધરમવીરે તેની સાથે એક મહિલાને ૭૦,૦૦૦ ચૂકવીને લગ્ન કર્યા હતા.