દિલ્હી-જયપુર હાઈવે પર ૨૦ મિનિટની અંદર ૪ પેટ્રોલ પંપ પર લૂંટ

ચંડીગઢ,

હરિયાણાના રેવાડી જિલ્લામાં દિલ્હી-જયપુર હાઈવે પર અસામાજિક તત્વોએ ૨૦ મિનિટની અંદર ૪ પેટ્રોલ પંપ પર લૂંટની ઘટનાને અંજામ આપ્યો. બદમાશોએ ફાયરિંગ પણ કર્યુ અને ૧.૨૨ લાખ રૂપિયા લૂંટી લીધા. ફાયરિંગમાં પેટ્રોલ પંપનો એક સેલ્સમેન ચાકુ વાગવાથી ઈજાગ્રસ્ત પણ થઈ ગયા છે. એક સાથે ૪ પેટ્રોલ પંપ પર લૂંટની ઘટના બાદ પોલીસ બેડામાં અફરાતફરી મચી ગઈ છે.

રેવાડી પોલીસ અનુસાર દિલ્હી-જયપુર હાઈવે પર સ્વિટ કારમાં સવાર ચાર યુવકોએ સૌથી પહેલા શિવ પેટ્રોલ પંપને નિશાન બનાવ્યુ અને કારમાંથી ઉતરતા જ તેમણે સેલ્સમેન પર પિસ્તોલ તાકી. યુવકોએ બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યુ. યુવકો સેલ્સમેન પાસેથી ૪૦ હજાર રૂપિયા છીનવીને ફરાર થઈ ગયા. ફાયરિંગ દરમિયાન ચાકુ વાગવાથી સેલ્સમેન ઈજાગ્રસ્ત થઈ ગયા.

જે બાદ આ યુવકો શહીદ બિજેન્દ્ર સિંહ પેટ્રોલ પંપ પર પહોંચ્યા અને ત્યાં પણ પિસ્તોલ બતાવીને સેલ્સમેન પાસેથી ૨૭ હજાર રૂપિયા છીનવી લીધા પછી નાયરા પેટ્રોલ પંપમાંથી દસ હજાર રૂપિયા અને મનોહર પેટ્રોલ પંપ પરથી ૫૦ હજાર રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા. યુવકોએ લગભગ ૨૦ મિનિટની અંદર ચાર પેટ્રોલ પંપ પર લૂંટની ઘટનાને અંજામ આપ્યો.