દિલ્હી આઈઆઈટીના ફેશન શોમાં ભારતી કોલેજની છોકરીઓનો લજ્જાભંગ

આઈઆઈટી દિલ્હી ખાતે યોજાયેલા ફેશન શોમાં દિલ્હી યુનિવર્સિટીની ભારતી કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે દરમિયાન વિદ્યાર્થીઓના અશ્લીલ વીડિયો બનાવવાનો મામલો સામે આવ્યો છે. ફેશન શોની વચ્ચે છોકરીઓ કપડાં ચેન્જ કરવા માટે વોશરુમમાં ગઈ ત્યારે અહીં કામ કરતા એક સફાઇકર્મીએ પોતાના મોબાઈલ ફોનથી એક વીડિયો બનાવ્યો હતો, સફાઈકર્મી અશ્લીલ વીડિયો ઉતારીને કંઈ પણ કરી શકેત પરંતુ છેલ્લી ઘડીએ પકડાઈ ગયો કારણ કે કપડાં બદલી રહેલી એક છોકરીને ડાઉટ પડ્યો અને તેણે બારી તરફ જોયું કે તેને મોબાઈલથી વીડિયો શૂટ કરી રહેલો એક શખ્સ દેખાયો, આ જોઈને તેણે તરત બૂમાબૂમ કરી અને બધા ભેગા મળીને તેને રંગેહાથે પકડી લીધો અને પોલીસને જાણ કરી હતી. હાલ કિશનગઢ પોલીસે આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો છે.

આરોપીની ઓળખ મંગલાપુર પાલમમાં રહેતા સફાઇ કામદાર આકાશ તરીકે થઈ છે. તે આઈઆઈટી દિલ્હીમાં આઉટસોર્સ કર્મચારી તરીકે પોસ્ટ કરાયો હતો. આ ઘટના શુક્રવારે બની હતી. પોલીસે જણાવ્યું હતું કે દિલ્હીની ભારતી કોલેજની 10 છોકરીઓ આઈઆઈટીમાં આયોજિત એક ફેશન શોમાં ભાગ લેવા આવી હતી શો દરમિયાન આ સ્ટુડન્ટ્સ વોશરૂમમાં કપડાં બદલવા ગઈ હતી. આ દરમિયાન એક યુવકે ગુપ્ત રીતે તેમનો વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો હતો. અચાનક એક વિદ્યાર્થીએ આરોપીની નજર પડતાં તેણે એલાર્મ વગાડ્યું હતું અને આરોપી ઘટના સ્થળે જ ઝડપાઇ ગયો હતો. 

સ્થળ પર હાજર લોકોએ આરોપીને પકડી પાડ્યો હતો. લોકોએ આરોપીનો મોબાઈલ ચેક કર્યો અને તેમાં વીડિયો મળતા જ લોકોએ પોલીસને ફોન કર્યો હતો. આ પછી પોલીસે ઘટના સ્થળે પહોંચીને આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આરોપી સામે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.