દિલ્હી એક્સાઈઝ પોલીસી મામલે વધુ એક કાર્યવાહી: ઈડીએ ચેરિયટ એડવર્ટાઈઝિંગ સાથે જોડાયેલા રાજેશ જોશીની કરી ધરપકડ

નવી દિલ્હી,

દિલ્હી એક્સાઈઝ પોલીસી મામલે ઈડીએ વધુ એક ધરપકડ કરી છે. ચેરિયટ એડવર્ટાઈઝિંગના રાજેશ જોશીની ગોવાની ચૂંટણી દરમિયાન મની લોન્ડરિંગના આરોપમાં ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ ઈડીએ શિરોમણી અકાલી દળના પૂર્વ ધારાસભ્ય દીપ મલ્હોત્રાના પુત્ર ગૌતમ મલ્હોત્રાની ધરપકડ કરી હતી.

રાજેશ જોશી પર આરોપ છે કે, તેમણે ગોવાની ચૂંટણી માટે આરોપી દિનેશ અરોરા દ્વારા પોતાની જાહેરાત કંપની રથ વિજ્ઞાપનના માધ્યમથી કથિત રીતે ૩૦ કરોડ રૂપિયા પ્રાપ્ત કર્યા હતા. દિનેશ અરોરા આપના વિજય નાયર સાથે મળીને કામ કરી રહ્યા હતા. ED ને જાણવા મળ્યું છે કે દિલ્હીમાં આપ દ્વારા નવી એક્સાઇઝ પોલિસી લાવવામાં આવી ત્યારે આ ૩૦ કરોડ રૂપિયા ગેરકાયદેસર રીતે પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.

ઈડીએ કથિત એક્સાઈઝ પોલીસીની ચાર્જશીટમાં લખ્યું છે કે, આ કેસની અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ભંડોળનો એક ભાગ ગોવા વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માટે આપના ચૂંટણી પ્રચારમાં વપરાયો હતો. ઈડીએ વધુમાં જણાવ્યું હતું કે, સર્વેક્ષણ ટીમનો ભાગ હતા તેવા સ્વયંસેવકોને ૭૦ લાખ રૂપિયા રોકડમાં ચૂકવવામાં આવ્યા હતા. આરોપી વિજય નાયરે પોતે ઝુંબેશ સંબંધિત કામ સાથે સંકળાયેલા કેટલાક લોકોને રોકડમાં પેમેન્ટ મેળવવા માટે કહ્યું હતું.