નવીદિલ્હી,દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને રાહત મળી નથી. દિલ્હી કોર્ટે બંનેની ન્યાયિક કસ્ટડી ૧૯ માર્ચ સુધી લંબાવી છે.
અગાઉ, ૨ માર્ચે યોજાયેલી છેલ્લી સુનાવણીમાં, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયા અને સંજય સિંહની ન્યાયિક કસ્ટડી પાંચ દિવસ માટે વધારી હતી. આ સમયગાળો આજે પૂરો થઈ રહ્યો હતો. પરંતુ આજે કોર્ટે ન્યાયિક કસ્ટડી ૧૯ માર્ચ સુધી લંબાવી છે.
અગાઉ છેલ્લી સુનાવણીમાં, ઈડીએ દલીલ કરી હતી કે જ્યાં સુધી ક્યુરેટિવ પિટિશન સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યાં સુધી સિસોદિયાની નિયમિત જામીન અરજી પર વિચાર ન કરવો જોઈએ. મનીષ સિસોદિયાની દ્વારા ગયા વર્ષે ૨૬ ફેબ્રુઆરીએ દિલ્હી એક્સાઇઝ પોલિસી ૨૦૨૧-૨૨ના અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર બદલ ધરપકડ કરવામાં આવી હતી.
ગત વર્ષે ૪ ઓક્ટોબરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સંજય સિંહની ધરપકડ કરવામાં આવી હતી. ઈડીએ અગાઉ કોર્ટને જણાવ્યું હતું કે સંજય સિંહ દિલ્હી એક્સાઇઝ પોલિસી ૨૦૨૧-૨૨માં દારૂ (કંપની) જૂથો પાસેથી લાંચ લેવાના કાવતરાનો ભાગ હતો. દિલ્હીની આબકારી નીતિ ઓગસ્ટ, ૨૦૨૨ માં રદ કરવામાં આવી હતી અને દિલ્હીના લેટનન્ટ ગવર્નરે બાદમાં સીબીઆઇને કથિત ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
તમને જણાવી દઈએ કે આ મામલામાં ઈડીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે આઠ સમન્સ મોકલ્યા છે પરંતુ તેઓ દરેક સમન્સને ટાળી રહ્યા છે. તેમણે ઈડીના સમન્સને ગેરકાયદેસર અને રાજકીય બદલો લેવાનું કૃત્ય ગણાવ્યું છે. કેજરીવાલ એક વખત પણ પૂછપરછ માટે ઈડી સમક્ષ હાજર થયા નથી.