દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કવિતાને આંચકો, સુપ્રીમ કોર્ટે જામીન આપવાનો ઈનકાર કર્યો

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે શુક્રવારે બીઆરએસ નેતા કે. કવિતાને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. તમને જણાવી દઈએ કે કવિતાની દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ બેલા એમ. ત્રિવેદીની બેંચે કવિતાને નીચલી કોર્ટનો સંપર્ક કરવા કહ્યું. બેન્ચે કહ્યું કે આ એક પ્રક્રિયા છે જેનું આ કોર્ટ અનુસરી રહી છે અને તે પ્રોટોકોલને અવગણી શકે નહીં.

ખંડપીઠે કહ્યું કે જ્યાં સુધી પીએમએલએની જોગવાઈઓને પડકારતી કવિતાની અરજીનો સંબંધ છે, કોર્ટ ઈડીને નોટિસ જારી કરી રહી છે અને તેને ૬ અઠવાડિયાની અંદર જવાબ આપવા માટે કહી રહી છે. બેન્ચે કવિતા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને કહ્યું કે, ’જોગવાઈઓને પડકારતી અરજી પેન્ડિંગ કેસ સાથે લેવામાં આવશે.’ સિબ્બલે શરૂઆતમાં કહ્યું હતું કે સરકારી સાક્ષીના નિવેદનના આધારે લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. બેન્ચે કહ્યું કે આ સમયે તે કેસની યોગ્યતા પર વિચાર કરી રહી નથી.

તેલંગાણા વિધાન પરિષદના સભ્ય અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાની ૧૫ માર્ચે ધરપકડ કરવામાં આવી હતી અને ૨૩ માર્ચ સુધી ઈડી કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. જણાવી દઈએ કે એક્સાઈઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં બે કલાકની પૂછપરછ બાદ ઈડીએ ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પણ તેમના ઘરેથી ધરપકડ કરી હતી. આ પહેલા ગુરુવારે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને કેસમાં ઈડી દ્વારા કોઈપણ ’શિક્ષાત્મક કાર્યવાહી’ સામે વચગાળાનું રક્ષણ આપવાનો ઈક્ધાર કરી દીધો હતો.

કેજરીવાલની ધરપકડ બાદથી આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો જોરશોરથી વિરોધ કરી રહ્યા છે. આ ઉપરાંત તેમના મંત્રીઓ, ધારાસભ્યો અને પાર્ટીના નેતાઓ લોકોને ભાવનાત્મક અપીલ કરતા જોવા મળે છે. રાજકીય નિષ્ણાતો માને છે કે કેજરીવાલની ધરપકડ આમ આદમી પાર્ટી માટે એક મોટો ઝટકો છે, પરંતુ પાર્ટી આ દરમિયાન લોકોને ભાવનાત્મક રીતે જોડવાનો પણ પૂરો પ્રયાસ કરી રહી છે. અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તરત જ હવે તેમની પાર્ટીના નેતાઓ જનતા સાથે જોડાયેલા મૂળભૂત અને ભાવનાત્મક મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે.