નવીદિલ્હી,બીઆરએસ નેતા કે.કવિતાને એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે ૨૩ એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. રાઉઝ એવન્યુ કોર્ટે ગઈકાલે કવિતાની જામીન અરજી ફગાવી દીધી હતી. કે કવિતાએ તેમના પુત્રની પરીક્ષાને ટાંકીને જામીન માંગ્યા હતા. સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ અરજી ફગાવી દેતાં કહ્યું હતું કે તેમને વચગાળાના જામીન આપવાનો આ યોગ્ય સમય નથી.
ઉલ્લેખનીય છે કે, કવિતા હાલ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.કવિતાએ ગુરુવારે કોર્ટમાંથી વચગાળાના જામીનની માંગણી કરતાં કહ્યું હતું કે તેમના ૧૬ વર્ષના દીકરાની પરીક્ષા છે અને દીકરાને માતાના ’નૈતિક અને ભાવનાત્મક સમર્થન’ની જરૂર છે. અદાલતે કવિતા અને ઈડી તરફથી હાજર રહેલા વકીલની દલીલો સાંભળી હતી અને સોમવારે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન બીઆરએસ નેતા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ દાવો કર્યો હતો કે માતાની ગેરહાજરી પિતા, બહેન કે ભાઈ પૂરી કરી શક્તા નથી.
એજન્સીએ આરોપ લગાવ્યો છે કે કવિતા ’સાઉથ ગ્રૂપ’ની મુખ્ય સભ્ય હતી, જેના પર દિલ્હીમાં શાસક આમ આદમી પાર્ટીને દારૂના લાયસન્સના મોટા હિસ્સાના બદલામાં ૧૦૦ કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ છે. કવિતાની ૧૫ માર્ચે હૈદરાબાદમાં તેમના બંજારા હિલ્સ સ્થિત નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, તેમને બીજા દિવસે સાત દિવસ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. બાદમાં કસ્ટડીમાં પૂછપરછ માટે આ સમયગાળો વધુ ત્રણ દિવસ લંબાવવામાં આવ્યો હતો. જો કે, હવે કોર્ટે કવિતાના ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવી છે.