દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડ કરવામાં આવતા પંચમહાલ “આપ” દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવતા દેશમાં મોટા પ્રત્યાઘાત પડયા છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી દ્વારા દેશ ભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજ રોજ પંચમહાલ જીલ્લામાં પણ “આપ” ના કાર્યકરો દ્વારા ગોધરા બસસ્ટેન્ડ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્ર સરકાર વિરૂદ્ધ નારેબાજી કરી હતી.

જીલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા વિરોધ પક્ષને બદનામ કરવા અને પરેશાન કરવા ઇડી નો દુર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર ને કાયદો બનાવવા કે સુધારવાનો અધિકાર છે, પણ કાયદાનો દુર ઉપયોગ કરવાનો અધિકાર નથી. 1 લી મે 1956 થી Enforcement directorate ઇડી)ની સ્થાપના થયેલી છે. આટલા વર્ષો સુધી વિપક્ષને બદનામ કે હેરાન કરવા માટે તેનો દુરઉપયોગ કરવામાં આવ્યો હોય તેવા દાખલાઓ જોવા મળતાં નથી. પરંતુ હાલની તાનાશાહી ભાજપ સરકાર તેનો ભરપુર દુર ઉપયોગ કરી રહી છે તે દેશ માટે ઘાતક છે. કોઈ આરોપ લગાવે અને માત્ર તેથી જ ધરપકડ કરી લેવી તથા આરોપીએ જાતે સાબિત કરવાનું કે તે નિર્દોષ છે અને જ્યાં સુધી નિર્દોષ સાબિત ના થાય ત્યાં સુધી જેલમાં રહેવાનું આ કેટલું અયોગ્ય છે !

વર્ષે બે વર્ષે જ્યારે નિર્દોષ સાબિત થાય અને છુટે પરંતુ જે તે વ્યક્તિના બે વર્ષ બગડે એ કેટલું નુકશાન કારક છે ? આ પ્રકારના કેસમાં વિપક્ષના નેતાઓને ફસાવવાનું ષડયંત્ર લોકશાહી ધરાવતા દેશમાં તાનાશાહી શાસન જોવા મળી રહ્યું છે. શાસક પક્ષ પોતાની જ પાર્ટીના ભ્રષ્ટાચારીઓ સામે શા માટે ઇડીની તપાસ નથી કરાવતા એ સવાલ છે. લોકસભાની ચૂંટણી નજીક આવી છે ત્યારે એક મજબુત પાર્ટી તરીકે ઉભરી આવતી આમ આદમી પાર્ટીને રોકવા, તોડવા, ડરાવવા શાસક પક્ષના આ ષડયંત્રો હવે કામ લાગવાના નથી, પરંતુ મજબુત તાકાત અને એકતા સાથે ઉભરી આવશે તેમ જીલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું.

જીલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ, પ્રદેશ સહમંત્રી રાજુભાઇ પટેલ, પ્રદેશ કિસાન ઉપાધ્યક્ષ અરવિંદભાઈ માછી, પ્રદેશ એસટી ઉપાધ્યક્ષ પ્રવિણભાઇ રાઠવા, જીલ્લા ઓબીસી પ્રમુખ રમેશભાઇ પટેલ, જીલ્લા યુવા પ્રમુખ આશિષ કામદાર, જીલ્લા સહકાર સમિતિના પ્રમુખ મનોજ જોશી, ગોધરા શહેર કાર્યકારી પ્રમુખ લિયાકત પઠાણ, ઘોઘંબા તાલુકા પ્રમુખ સંજયભાઈ સોલંકી, ઘોઘંબા તાલુકા યુવા પ્રમુખ ગુલાબભાઈ રાઠવા સહિતના પદાધિકારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.