મુંબઇ,હાલ ચાલી રહેલી આઇપીએલની ૧૬મી સિઝનમાં સૌથી ખરાબ હાલત દિલ્હી કેપિટલ્સની છે. દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી કેપિટલ્સ ટીમના બેટ્સમેનોના બેટ, પેડ, ગ્લોવ્સ અને શૂઝ પણ ચોરાઈ ગયા હતા. આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે, પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે વિદેશી ખેલાડીઓના બેટ પણ ચોરાઈ ગયા છે, જેની દરેકની કિંમત એક લાખ રૂપિયા સુધી છે. દિલ્હી કેપિટલ્સના અડધો ડઝન બેટ્સમેનોના ૧૬ બેટ ચોરાઈ ગયા છે.
અહેવાલ મુજબ બેંગ્લોરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મેચ રમ્યા બાદ જ્યારે દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ દિલ્હી પહોંચ્યા અને તેમની કીટ બેગ તેમની પાસે પહોંચી તો તેઓ ચોંકી ગયા હતા. કેપ્ટન ડેવિડ વોર્નરના ૩ બેટ, મિશેલ માર્શના ૨ બેટ, ફિલ સોલ્ટના ૩ અને યશ ધુલના ૫ બેટ ચોરાઈ ગયા હતા. આ સિવાય કેટલાકના પેડ, ગ્લોવ્સ, શૂઝ અને ક્રિકેટના અન્ય સાધનો દિલ્હી પહોંચ્યા ન હતા.
દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. દિલ્હી કેપિટલ્સે જેમ તેન કરીને ગઈકાલે પ્રેક્ટિસ સેશન પૂરું કર્યું હતું. કેટલાક બેટ્સમેનોએ તેમના એજન્ટોનો સંપર્ક કર્યો અને તેમની બેટ કંપનીઓને આગામી મેચ પહેલા કેટલાક બેટ મોકલવા વિનંતી કરી હતી. વિદેશી ખેલાડીઓ માટે તેમના જેવા બેટ આટલા જલ્દી મેળવવું ખુબ મુશ્કેલ છે, પરંતુ વિદેશી બેટ બનાવતી કંપનીઓ ભારતમાં પણ છે, તેથી તેઓ ભારતમાં બેટ મેળવી શકે છે, જેના માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.