દહેગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનીબા ભાજપમાં જોડાયા

અમદાવાદ,

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે એક પછી એક કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે, ત્યારે કોંગ્રેસ માટે વધુ એક આંચકાજનક સમાચાર સામે આવી રહ્યા છે. વધુ એક કોંગ્રેસના નેતાએ કેસરિયા કર્યા છે. દેહગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા ભાજપમાં જોડાયા છે. તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે. કામિનીબાએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ટિકિટની વહેંચણીમાં નાણા માગ્યાના આરોપ હતા, ત્યારે આક્ષેપ બાદ કામિનીબાએ અપક્ષમાંથી ઉમેદવારી કરી હતી.

બીજી બાજુ, ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ સામે આવ્યું છે. ઉત્તર ગુજરાત કોંગ્રેસના કાર્યકરોએ કેસરિયા કર્યા છે. એ.જે. પટેલે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. કોંગ્રેસ પ્રદેશ સમિતિ મહામંત્રી જી.એમ.પટેલે કેસરિયા કર્યા છે. કોંગ્રેસના પૂર્વ મંત્રી કાનજી પટેલ ભાજપમાં જોડાયા છે. સાથે જ નટુજી ઠાકોર, પ્રહલાદ પટેલ પણ ભાજપમાં જોડાયા છે. પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ તેમને ખેસ પહેરાવી આવકાર્યા હતા. પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા છે.

પાટણ રાધનપુરમાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. સ્થાનિક કોંગ્રેસ આગેવાનોએ લવિંગજી ઠાકોરની સભામાં ભાજપમાં કેસરિયા કર્યા છે. જિલ્લા કોંગ્રેસ સહમંત્રી લક્ષ્મણ આહીર સહિત કાર્યકરો ભાજપમાં જોડાયા છે. રાધનપુર બેઠક પરના ૫૦થી વધુ આગેવાનોએ કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આ સાથે જ રાધનપુર વિધાનસભા બેઠક પર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

બીટીપી ઉમેદવાર રહેલા રાજેશ હઠીલા ભાજપમાં જોડાયા છે. તેમની સાથે ૫૦૦ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. રાજેશ હઠીલાએ બીટીપી ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હતું. જ્યારે સાંસદ જશવંતસિંહ ભાભોરે ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું છે. લીમખેડા બેઠક ભાજપનો ગઢ છે. બી.ટી.પીના ઉમેદવાર રાજેશ હઠીલાએ ઉમેદવારી પત્ર ખેંચવાના દિવસે પોતાની ઉમેદવારી પરત ખેંચતા રાજકારણમાં ગરમાવો આવ્યો હતો.