
ડીસા, બનાસકાંઠાના કાંકરેજના થરા હાઈવે પર મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક અને સ્વિટ ગાડી વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમા એક નાનકડો હસતો રમતો પરિવાર વિખેરાયો હતો. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. પતિ-પત્ની અને નાનકડી દીકરીનું ઘટનાસ્થળે મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે મોડી રાતે બનાસકાંઠાના ડીસાના માણેકપુર ગામમાં રહેતા વેરશીજી ઠાકોર પોતાના પરિવાર સાથે બાઈક પર નીકળ્યા હતા. બાઈક પર તેમની પત્ની ભાનુબેન ઠાકોર અને ૧૦ વર્ષની દીકરી તેજલ ઠાકોર હતા. નાનકડો એવો આ પરિવાર થરા હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન એક સાથે બાઈક ભટકાયુ હતું.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે, ઘટના સ્થળ પર જ વેરશીજી ઠાકોર, તેમના પત્ની અને દીકરી મૃત્યુ પામ્યા હતા. ઘટના સ્થળે ભારે અરેરાટીના દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી તરફ, અકસ્માતને પગલે હાઈવે પર ચક્કાજામ થયો હતો. હાઈવે પર ગાડીઓનો કાફલો ભેગો થયો હતો. બાદમાં ટ્રાફિક દૂર કરાયો હતો.ત્રણેય વ્યક્તિનું મોત નિપજતા તેમના મૃતદેહને નજીકની થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો આવી ગયા હતા.