બનાસકાંઠા જિલ્લાના ડીસામાંથી સસ્તા અનાજના સપ્લાયનો જથ્થો દરોડા દરમિયાન ઝડપાયો છે. જિલ્લા પુરવઠા વિભાગની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. ડીસામાં ચાર સ્થળો પર દરોડા પાડવામાં આવતા બે દુકાનોના માલિકો હાજર નહીં મળતા ગોડાઉન સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
જિલ્લા પુરવઠા વિભાગની ટીમ દ્વારા ડીસામાં દરોડા પાડવામાં આવ્યા હતા. ડીસામાં ચાર જેટલા સ્થળો પર દદોરોડો પાડતા બે દુકાનોના માલિક દરોડાની કાર્યવાહીથી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. બે દુકાનોના માલિક સ્થળ પર હાજર નહીં મળતા બંને દુકાનના ગોડાઉનને સીલ કરવામાં આવી હતી. જ્યારે અન્ય બે દુકાનમાંથી ચોખા અને ઘઉંનો જથ્થો ઝડપાયો હતો. જે જથ્થો સરકારી સસ્તા અનાજની દુકાનમાં સપ્લાય કરવાનો હતો.
સસ્તા અનાજની દુકાનનો જથ્થો બજારમાં દુકાનોમાં વેચાતો હોવાનું ઝડપાવાને લઈ હવે પુરવઠા વિભાગે જથ્થો ક્યાંથી આવ્યો એ દીશામાં તપાસ શરુ કરી છે. ગેરકાયદેસર સંગ્રહ અને સપ્લાય કરનારાઓની ચેઈનને શોધવા અને તેમની સામે આકરી કાર્યવાહી કરવાની માંગ પણ દરોડાને લઈ ઉઠી છે. છેલ્લા કેટલાય સમયથી સસ્તા અનાજની દુકાનના જથ્થાને કાળા બજારમાં વેચાણ કરવામાં આવતો હોવાનું ઝડપાયું હતું.