ડીસાથી અંબાજી તરફ જતા પદયાત્રીનું મોત: અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી

ડીસા, અંબાજી ભાદરવી પૂનમના મહામેળાનો આજે છઠ્ઠો દિવસ છે. ૫ દિવસમાં ૩૦,૪૭,૦૩૨ ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવીને આશીર્વાદ મેળવ્યા છે. પાંચમાં દિવસે ૧૦ લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે. હજુણ પણ દૂર-દૂરથી પગપાળા સંઘ માં અંબેના દર્શન માટે પહોંચી રહ્યા છે. બોલ માડી અંબે જય જય અંબેના નાદથી રસ્તાઓ ગુંજી રહ્યા છે. આ વચ્ચે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. પાલનપુર-ડીસા હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા પદયાત્રીનું મૃત્યુ નિપજ્યું છે.

મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-ડીસા હાઇવે પર ચંડીસર નજીક અજાણ્યા વાહનચાલકે અંબાજી માં અંબાના દર્શને જઈ રહેલા પદયાત્રીને ટક્કર મારી હતી. પદયાત્રીને ટક્કર માર્યા બાદ વાહનચાલક ફરાર થઈ ગયો હતો. તો આ અકસ્માતમાં પદયાત્રીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે પદયાત્રીઓ અને રાહદારીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ચંડીસર મોકલવામાં આવ્યો હતો. તો બીજી બાજુ પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર વાહનચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ અંબાજી દર્શન માટે મોપેડ પર જતાં પરિવારને અકસ્માત નડ્યો હતો. ત્રણ લોકો પર ટ્રકના તોતિંગ પૈડા ફરી વળતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. દાહોદના ઠાપરી ગામના રાકેશભાઈ સાસી, તેમના પત્ની સરિતાબેન અને દીકરી રાધિકા સાથે મોપેડ પર અંબાજી દર્શન માટે જઈ રહ્યા હતા.

આ દરમિયાન દાહોદના સુખસર નજીક ટ્રકને ઓવરટેક કરતી વખતે આગળ કૂતરું આવી જતાં તેઓનું મોપેડ સ્લીપ ખાઈ ગયું હતું. જેથી પાછળ આવી રહેલી ટ્રકના પૈડા રાકેશભાઈના હાથ પર અને તેમના પત્ની સરિતાબેનના બંને પગ પર ફરી વળ્યા હતા. જેથી રાહદારીઓ દ્વારા તેઓને તાત્કાલિક દાહોદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.