શાહરૂખ ખાન ૪ વર્ષ બાદ સ્ક્રીન પર વાપસી કરી રહ્યો છે. તેની ’પઠાણ’ ફિલ્મ રીલિઝ માટે તૈયાર છે, પરંતુ તે પહેલા જ આ ફિલ્મને લઈને છેલ્લા ઘણા દિવસોથી વિવાદો ખૂબ જ સાંભળવા મળી રહ્યા છે. આ વિવાદ આ ફિલ્મનું એક ગીત ’બેશર્મ રંગ’ રીલિઝ થયા બાદ શરૂ થયો છે.
જેમાં દીપિકા પાદુકોણની બિકીનીના રંગને લઈને જે ચર્ચા શરૂ થઈ છે તેનાથી દરેક લોકો વાકેફ છે, પરંતુ આ ચક્કરમાં બિચારા શાહરૂખથી દરેક લોકોની નજર દૂર થઈ ગઈ છે.
૫૭ વર્ષના શાહરૂખ ખાનને ૩૫ વર્ષનો બતાવવા માટે ખૂબ પરસેવો જ નહીં પરંતુ પૈસા પણ પાણીની જેમ ખર્ચવામાં આવ્યા છે. બેશર્મ રંગ ગીતમાં શાહરૂખ લાખોમાં તૈયાર થયો છે. તેનો શર્ટ, ચશ્મા અને બુટની કિંમત જાણીને તમને પણ મોટો ઝટકો લાગવાનો છે.
આમ તો દીપિકાની જેમ જ આ ગીતમાં શાહરૂખ અલગ-અલગ સ્ટાઈલના કપડામાં જોવા મળી રહ્યો છે. પરંતુ તે એક વાર પ્રિન્ટેડ શર્ટમાં જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં આ શર્ટની કિંમત લગભગ ૮ હજાર રૂપિયા જણાવવામાં આવી રહી છે. જ્યારે, તેના બુટની કિંમત ૧ લાખથી વધુ છે આ સાથે જ તેના ચહેરા પર ખૂબ જ સારા લાગી રહેલા કાળા ચશ્મા ૪૧ હજારના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
એટલે કે, કુલ મળીને શાહરૂખને આ ગીત પ્રમાણે તૈયાર કરવામાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જો કે, જે મહેનત આ ગીત પાછળ કરવામાં આવી તે રંગ પણ લાવી કારણ કે ભલે આ ગીત વિવાદોથી ઘેરાયેલું હોય, પરંતુ શાહરૂખનો ચાર્મ તેમાં ભરપૂર જોવા મળી રહ્યો છે.
શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જૉન અબ્રાહમ જેવા સ્ટાર્સથી બનેલી આ ફિલ્મ ૨૫ જાન્યુઆરીના રોજ રીલિઝ થવા જઈ રહી છે. જો કે, દીપિકાની બિકીનીના રંગને લઈને ચાલી રહેલા વિવાદ બાદ હવે લોકો ફિલ્મને રીલિઝ નહીં થવા દેવા માટેની ચેતવણી પણ આપી રહ્યા છે. પરંતુ ફિલ્મની રીલિઝ અટકે છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે.