ડેડીયાપાડા આદર્શ નિવાસી કુમાર શાળાનું છાત્રાલય બિલ્ડીંગ માત્ર 4 સેકન્ડમાં પત્તાના મહેલ જેમ તૂટી પડ્યું હતું. જેને લઈ દોડધામ મચી હતી. જો કે બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોવાથી સ્ટાફ દ્વારા થોડા દિવસ અગાઉ જ બાળકોને બાજુની બિલ્ડીંગમાં લઈ જવાયા હતા એટલે સ્ટાફની સમયસૂચકતાને કારણે 296 બાળકોના જીવ બચી ગયા હતા અને મોટી જાનહાની ટળી હતી. આ સમગ્ર ઘટનાને લઈ ચૈતર વસાવા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓએ જણાવ્યું હતું કે, આદીવાસી વિસ્તારમાં બનેલી આદર્શ નિવાસી શાળાના અનેક બિલ્ડિંગો ભ્રષ્ટાચારનો નમૂનો છે.
ડેડીયાપાડા આદર્શ નિવાસી કુમાર શાળાનું છાત્રાલય બિલ્ડીંગ અચાનક 15/09/2024ના રોજ ધરસાયી થઈ જતાં દોડધામ મચી હતી. જો કે આ ઘટના ઘટી ત્યારે 296 બાળકો બાજુની બિલ્ડીંગમાં ભોજન કરી રહ્યા હોવાથી તેઓના જીવ બચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોવાથી સ્ટાફ દ્વારા થોડા દિવસ અગાઉ જ બાળકોને બાજુની બિલ્ડીંગમાં લઈ જવાયા હતા. આમ સ્ટાફની સમયસૂચકતાને કારણે બાળકોના જીવ બચી ગયા હતા અને મોટી જાનહાની ટળી હતી.
આ ઘટના બાબતે આદર્શ નિવાસી કુમાર શાળાનાં છાત્રાલયના આચાર્ય શંકરભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, એ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હતી એટલે બાળકોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પહેલેથી જ અન્ય જગ્યાએ ખસેડાયા હતા એટલે બિલ્ડિંગમાં કોઈ બાળકો ન હોવાથી જાનહાની થઈ નથી. ત્રણ માળના એ બિલ્ડિંગને પાડી નાખવા કાર્યવાહી કરાઈ હતી પણ એ પહેલાં જ બિલ્ડીંગ ધરાસાયી થઈ ગયું છે. આ પહેલાં પણ વર્ષ 2001માં જ્યારે ધરતીકંપ આવ્યો હતો ત્યારે પણ આ બિલ્ડીંગનો એક ભાગ ધરાસાયી થયો હતો. જ્યારે અત્યારે લગભગ 40% જેટલો ભાગ ધરાસાયી થઈ ગયો છે.
આ ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય ચૈતર વસાવા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સંબંધિત અધિકારીઓને ટેલિફોનીક જાણ કરી હતી. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, 1992-93માં બનેલી આ બિલ્ડિંગમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. આ બિલ્ડીંગનું બાંધકામ ભ્રષ્ટાચારનો નમૂનો છે. આદિજાતિ વિકાસ વિભાગ અને સ્ટેટ માર્ગ મકાન વિભાગના ભ્રષ્ટાચારને લીધે 296 બાળકોનો જીવ જોખમમાં હતો. જો કે, સ્ટાફની સમયસૂચકતાને લીધે કોઈ જાનહાની થઈ નથી.