ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે દાહોદ જીલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે લીમખેડા સર્કિટ હાઉસ ખાતે દાહોદ જીલ્લા આમ આદમી પાર્ટીના સંગઠનના નેતાઓ સાથે બેઠક કરીને આવનારી તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડે તે માટે આપના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યુ હતુ, અને સંગઠનને વધુ મજબુત બનાવવા માટે કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. આ બેઠકમાં દાહોદ જીલ્લામાં મનરેગા યોજના, નકલી એનએ પ્રકરણ તેમજ શિક્ષણ મામલે ચૈતર વસાવા દ્વારા આકરા પ્રહારો પણ કરવામાં આવ્યાં હતાં.
દાહોદ જીલ્લાના લીમખેડા ખાતે ડેડિયાપાડા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ લીમખેડા સરકીટ હાઉસ ખાતે આપના કાર્યકર્તાઓ અને જીલ્લાના પદાધિકારીઓ સાથે મુલાકાત કરી બેઠક યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, દાહોદ જીલ્લામાં આવનાર સમયમાં યોજાનાર દેવગઢ બારીઆ અને ઝાલોદ નગરપાલિકાની ચુંટણી તેમજ તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ચુંટણીની તૈયારીઓના ભાગ રૂપે આજે દાહોદ જીલ્લાના સંગઠનના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત યોજી હતી.
સાથે દાહોદ જીલ્લાના વિકાસ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલા 700 થી 800 કરોડ રૂપીયાના વિકાસના કામોનુ આયોજન દાહોદના ભાજપ ના નેતાઓ એ તેમને કેટલી કટકી મળશે તે પ્રમાણે આયોજન કર્યુ છે તેમ જણાવ્યું હતું. દાહોદ જીલ્લામાં મનરેગા યોજનામાં ચાલતા ભ્રષ્ટાચારને લઈને ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, મનરેગા યોજનામા બિનકુશળ શ્રમિકોને 100 દિવસની રોજગારી આપવાનો હેતુ સરકારનો છે, તેમ છતા દાહોદ જીલ્લાના નેતાઓ, અધિકારીઓ અને એજન્સીઓ દ્વારા મટીરીયલ પુરૂ પાડવાના નામે દાહોદ જીલ્લા બહારની એજન્સીઓને એક પણ ગાડી રેતી કપચી નાંખ્યા વગર 600 થી 700 કરોડ રૂપીયા જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીને ચુકવી દેવામાં આવ્યા છે તેવા આક્ષેપો લગાવ્યા હતા.
દાહોદ જીલ્લાના ગરીબ આદિવાસીઓની જમીનો દાહોદના બિલ્ડરો દ્વારા બારોબાર એન.એ. કરી, ભાડા કરારો કરી રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડીંગો બનાવી દેવામાં આવી છે, તે બાબતે દાહોદ કલેક્ટરને પત્ર લખી યોગ્ય તપાસની માંગણી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા દાહોદની જનતાના વિકાસ માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ દાહોદ નગરપાલિકાના હાલના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી કટરાગ ચાલી રહ્યું છે. ત્યારે આ બાબતે ચેતર વસાવા એ જણાવ્યું હતું કે, દાહોદ નગરપાલિકાના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ ને શહેરના વિકાસમાં કોઈ રસ નથી.
તેઓ માત્ર સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટના નાણાંની ભાગ બટાઈ માટે ખેંચતાણ કરી રહ્યા છે. દાહોદના શહેરીજનો હાલમાં રસ્તાઓ, પીવાના પાણીની તેમજ ગટરની સમસ્યાથી પીડાઈ રહી છે. ત્યારે આ તમામ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી જરૂર જણાય તો પ્રજાનો અવાજ બનીને મેદાનમાં ઉતરશે તેમ જણાવ્યું હતું. દાહોદ જીલ્લાના પ્રવાસે આવેલા ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તારમાં ચાલતી એકલવ્ય મોડેલ શાળામાં સરકાર દ્વારા ભરતી કરવામાં આવેલા અન્ય રાજ્યોના હિન્દી ભાષી શિક્ષકોની ભરતી અંગે પણ સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા અને ગુજરાતમાં ચાલતી આદિવાસી બાળકો માટેની એકલવ્ય મોડેલ સ્કૂલોમાં સ્થાનિક શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી હતી.
એકલવ્ય મોડેલ શાળામાં શિક્ષકો તેમજ વહીવટી સ્ટાફની ભરતી કરી છે, તેઓને ગુજરાતી વાંચતા લખતા, બોલતા આવડતુ નથી, સાથે ગુજરાતી ભાષા સમજતા પણ નથી. જેથી ગુજરાતી મિડીયમની આ શાળામાં હિન્દી ભાષી રાજ્યના શિક્ષકો અમારા બાળકોને કઈ રીતે ગુજરાતી ભણાવશે તેવા સવાલો ઉભા કર્યા હતા અને ગુજરાત સરકારે આ મામલે ગંભીરતાથી વિચારવું જોઈએ તેમ જણાવ્યું હતું.