દાહોદ,
દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કાલીયાકુવા ગામે ગતરોજ મધ્યરાત્રીના સમયે મોટરસાઈકલો પર લઈ જવાતો વિદેશી દારૂની હેરાફેરી કરતાં બુટલેગરોને પકડવાનો અને રોકવાનો પ્રયાસ કરતાં બુટલેગરો તથા તેમની સાથેના 15થી વધુ જેટલા ઈસમોએ પોલીસ પર મારક હથિયારો વડે હુમલો કર્યો હતો અને પોલીસની એક ફોર વ્હીલર ગાડીને સળગાવી દઈ અંદાજે દોઢ લાખનું નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે સ્વ બચાવમાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતું. ઘટનાની જાણ જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે આ મામલે મધ્યપ્રદેશના ત્રણ જેટલા બુટલેગર ઈસમ સહિત 15થી વધુ ટોળા વિરૂધ્ધ ફરિયાદ નોંધી હોવાનું જાણવા મળે છે.

ગતરોજ રાત્રીના દોઢેક વાગ્યાના આસપાસ દેવગઢ બારીઆ તાલુકાની સાગટાળા પોલીસને મળેલ બાતમીના આધારે કાલીયાકુવા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે બાતમીમાં દર્શાવેલ મોટરસાઈકલો પર વિદેશી દારૂની હેરાફેરી કરતાં બુટલેગરો નજરે પડ્યાં હતાં. પોલીસે તેઓને પકડવા માટે રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે બુટલેગરો સાથે પોલીસની રકઝક થતાં અને ઝઘડો તકરાર થતાં પાછળથી અન્ય મોટરસાઈકલો પર મારક હથિયારો સાથે દોડી આવેલ 15 જેટલા ઈસમોના ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસ અને બુટલેગરો પર સામસામે ઘર્ષણ થતાં પોલીસે પોતાના સ્વ બચાવમાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતું. ફાયરીંગમાં કોઈને ઈજા થઈ હોવાનું સામે આવ્યું નથી. પરંતુ પોલીસે બુટલેગરોને પ્રતિકાર કરતાં ઉશ્કેરાયેલ બુટલેગરોએ પોલીસને એક ફોર વ્હીલર ગાડીને આગ ચંપી કરી દેતાં પોલીસની ફોર વ્હીલર ગાડી સંપુર્ણ બળીને રાખ થઈ ગઈ હતી. પોલીસ પર હુમલો કરી બુટલેગરો તથા તેના સાગરીતો ફરાર થઈ ગયાં હતાં. ઘટનાની જાણ જીલ્લા પોલીસ વડા સહિતને કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટનાને પગલે જીલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ સંબંધે સાગટાળા પોલીસે મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના કઠીવાડા ખાતે રહેતાં બુટલેગરો કુતરીયાભાઈ ગમજીભાઈ નાયક, દિલીપભાઈ શંકરભાઈ નાયક, રાજુભાઈ શંકરભાઈ તોમર સહિત તેમના સાગરીત 15થી વધુ ઈસમોના ટોળા વિરૂધ્ધ પ્રોહીબીશનની કલમ સહિત ઇ.પી.કો.કલમ- 307, 353, 186, 427, 435, 440, 143, 144, 147, 148, 149, તથા ગુજરાત પોલીસ અધિનીયમ કલમ.135 તથા પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એકટની કલમ.3,4 મુજબ ગુનો નોંધી આરોપીઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
આરોપીઓને પકડી પાડવા માટે દાહોદ જીલ્લાની પોલીસ દ્વારા મધ્યપ્રદેશના અલીરાજપુર પોલીસનો સંપર્ક કરી અલીરાજપુર પોલીસ અને દાહોદ પોલીસ દ્વારા સંયુક્ત ઉપક્રમે આરોપીઓના રહેણાંક વિસ્તાર સહિત તેમના આશ્રય સ્થાનોએ સર્ચ ઓપરેશન હાથ ધરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.