દાહોદ જિલ્લાના દેવગઢબારિયામાં પોલીસ અને બૂટલેગરો વચ્ચે મોડી રાત્રે સામસામે ઘર્ષણ થયું હતું. સ્ટેટ વિજિલનસની ટીમે રાત્રે 12 વાગ્યાના અરસામાં બૂટલેગરના ઠેકાણા પર રેડ પાડી હતી. આ દરમિયાન બૂટલેગરોએ સામે ફાયરિંગ કર્યું હતું, જેના વળતા જવાબમાં પણ પોલીસે ફાયરિંગ કર્યું હતું. પોલીસે રેડ દરમિયાન દારૂની બે મોટાં અને બે નાનાં વાહનો જપ્ત કર્યાં છે. ઉપરાંત મોટા પ્રમાણમાં દારૂ પણ જપ્ત કર્યાની માહિતી મળી રહી છે. બાતમીના આધારે SMCએ વોચ ગોઠવી હતી ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યું છે.
રાજ્યમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં મોટા પ્રમાણમાં દારૂ રાજ્યમાં ઘુસાડવામાં આવે છે. ત્યારે પોલીસને બાતમી મળી હતી કે છોટાઉદેપુરનો બૂટલેગર ભીખા રાઠવા વિદેશી દારૂનો જથ્થો લઈને ધાનપુરના પાંચિયાસાળ ગામેથી પસાર થવાનો છે. જેથી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મધરાત્રે જ વોચ ગોઠવી દેવામા આવી હતી.હુમલો કરીને બૂટલેગર ફરાર થઈ જવામાં સફળ રહ્યો આ દરમિયાન બૂટલેગર ભીખા રાઠવા ફોર-વ્હીલર લઈને આવતાં પોલીસે તેને રોકવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેણે ગાડી રોકવાને બદલે પોલીસ તરફ ગાડી કરી ફાયરિંગ કર્યું હતું. તેણે આડેધડ સાત-આઠ રાઉન્ડ ગોળીબાર કર્યો હોવાની પ્રાથમિક તબક્કે માહિતી મળી છે. ત્યારે પોલીસે પણ તેની સામે ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામા કોઈને ઈજા થવાના અહેવાલ હાલ નથી, પરંતુ વાહનોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યુ છે. ત્યારે સૌથી ગંભીર બાબત એ છે કે હુમલો કરીને બૂટલેગર ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે. હાલ સાગટાળા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.