દેવગઢબારિયા નગરપાલિકા પ્રમુખને પક્ષાંતર ધારા હેઠળ નોટિસ

  • આગામી ૧૫ તારીખે નામોદીષ્ટ અધિકારીની કચેરી, ગાંધીનગર ખાતે હાજર રહેવા આદેશ.
  • દક્ષાબેન નાથાણી કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટાયા અને ભાજપના મેન્ડેટ પર નગરપાલિકા પ્રમુખ બન્યા.

દે.બારીઆ,
દેવગઢબારિયા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ દક્ષાબેન નાથાણી વિ‚દ્ધ મહિલા કાઉન્સિલર દ્વારા ગુજરાત પક્ષાંતર ધારા-૧૯૮૬ ની કલમ-૩ અન્વયે નગરપાલિકાના સદસ્ય તરીકે ગેરલાયક ઠેરવવા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની નામોદીષ્ટ અધિકારીની કચેરીએ વિવાદ અરજી કરતાં આગામી ૧૫મી તારીખના રોજ તેઓને સાધનિક પુરાવાઓ સહિત હાજર રહેવાનો આદેશ કરાતા રાજકીય મોરચે હલચલ મચી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટાઈને ભાજપના મેન્ડેટ પર નગરપાલિકા પ્રમુખપદે આરૂઢ બન્યા છે.

દેવગઢબારિયા નગરપાલિકામાં નવા પ્રમુખ-ઉપપ્રમુખના પદભાર પછી એક પછી એક નાટકીય ઘટનાક્રમ આકાર લઈ રહ્યા છે. તાજેતરમાં જ નવા રસ્તાના કામોના ટેન્ડર મુદ્દે કાઉન્સિલરો વચ્ચે ગજગ્રાહ થતાં સામાન્ય સભા મુલતવી રાખવી પડી હતી. તે ઉપરાંત ઇનચાર્જ ચીફ ઓફિસર ડી.એમ.હઠીલા એ ચાર્જ મુક્ત કરવા પ્રાદેશિક કમિશ્નરને કરેલી રજૂઆત વિષે પણ ભારે ચર્ચાઓ જાગી હતી ત્યારે હવે પ્રમુખ દક્ષાબેન નાથાણીને પક્ષાંતર ધારા અન્વયે નોટિસ મળતા રાજકારણમાં નવાજૂનીના એંધાણ વર્તાઇ રહ્યા છે.

નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના મહિલા કાઉન્સિલર મદીના રફીક ભીખાએ વર્તમાન પ્રમુખ દક્ષાબેન નાથાણી વિરૂદ્ધ ગુજરાત પક્ષાંતર ધારા-૧૯૮૬ ની કલમ-૩ અન્વયે નગરપાલિકાના સદસ્ય પદેથી ગેરલાયક ઠેરવવા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નામોદીષ્ટ અધિકારીની કચેરીએ વિવાદ અરજી કરી હતી. તેથી તેઓને નામોદીષ્ટ અધિકારીએ નોટિસ પાઠવીને આગામી ૧૫ તારીખના રોજ ગાંધીનગર ખાતે સાધનિક પુરાવાઓ સાથે રૂબરૂ સુનાવણી અર્થે હાજર રહેવા હુકમ કરવામાં આવ્યો છે. જો તેઓ ગેરહાજર રહેશે તો પક્ષાંતર ધારાની જોગવાઇઓ અનુસાર એકપક્ષીય કાર્યવાહી કરવામાં આવશે એવો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

નગરપાલિકા પ્રમુખને પક્ષાંતર ધારા હેઠળ નોટિસ મળતા રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. જો કે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડીને વિજેતા બનેલા દક્ષાબેન નાથાણી ભાજપના મેન્ડેટ પર પ્રમુખ બન્યા ત્યારથી તેઓ સતત વિવાદોમાં રહેતા તેમની રાજકીય સફર પર પ્રશ્નાર્થ સર્જાયો છે. હવે જોવાનું રહ્યું કે સત્તાનું રાજકારણ કઈ દિશામાં કરવટ લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *