દે.બારીયા તાલુકાના ચેનપુર ગામે ઘરમાં દીપડો ઘુસી જતા પરિવારના સભ્યોમાં અફરાં તફરી

દે.બારીયા,
પ્રાપ્ત વિગતો મુજબ દેવગઢ બારીયા તાલુકાના ચેનપુર ગામ ખાતે રહેતા શના વીરસીંગ પટેલના ઘરે ગઈકાલ રાત્રીના સમયે કુતરાનો શિકાર કરવા માટે પાછળ પડેલા દીપડા એ કુતરા ની પાછળ રહેણાંક ઘરે ઘુસી ગયો હતો. દેવગઢ બારીયા તાલુકાના મોટાભાગના ગામડા જંગલ વિસ્તારની નજીક આવેલા છે અને આ વિસ્તારમાં દીપડા જેવા હિંસક પ્રાણીઓ ક્યારેક ક્યારેક માનવ વસ્તીમાં હુમલો કરી ઘાયલ કરવાના બનાવો બનતા રહેતા હોય છે.

દેવગઢ બારીયામાં આવેલ ડુંગર વિસ્તારમાં હવે કોઈ મોટી ઝાડીઓ રહી નથી અને જેને કારણે દીપડા જેવા પ્રાણીઓ પોતાના ખોરાક અને પાણીની શોધમાં ગ્રામ્ય માનવ વસ્તી સુધી આવી જતા હોય છે. ગઈકાલ પણ આવી રીતે દીપડો શિકાર માટે કુતરાની પાછળ પડતા કૂતરો રહેણાંક ઘરના અર્ધ ખુલ્લા દરવાજામાં આવીને ભરાઈ ગયો હતો. જેની પાછળ દીપડો પણ ઘરમાં ભરાઈ ગયો હતો. દીપડો ઘરમાં ઘુસી ગયો હોવાની ખબર પડતા ઘરના સભ્યોના જીવ તાળવે બંધાયા હતા. આસપાસના લોકોને દીપડો ભરાયો હોવાની ખબર પડતા લોકોના લોકટોળા ઉમટી પડ્યા હતા. આ અંગે વન વિભાગ દેવગઢ બારીયાને જાણ કરતા એસીએફ આર.એમ.પુરોહિત પોતાના સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. દીપડાનું રેસ્ક્યુ કરવું અઘરૂં હોય છતાંપણ દીપડાને દિવસ દરમ્યાન સાવચેતી પૂર્વક ઘરમાંથી બહાર કાઢ્યો હતો.