દાહોદ,
દાહોદ જિલ્લાની દેવગઢ બારીઆ વિધાનસભાની બેઠકના ભાજપના ઉમેદવાર બચુભાઈ ખાબડ દ્વારા બસમાં સવારી કરતાં મુસાફરોની ટીકીટના નાણાં ચુંકવી મતદાનના દિવસે પોતાને મત આપવાની માંગણી કરતાં આ સમગ્ર મામલાનો વિડીયો સોશીયલ મીડીયામાં વાઈરલ થતાં વેંત દાહોદ જિલ્લાના રાજકારણમાં અનેક ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.
દેવગઢ બારીઆ વિધાનસભા બેઠકના ઉમેદવાર બચુભાઈ ખાબડ દ્વારા બે દિવસ પહેલાં દેવગઢ બારીઆ તાલુકા વિસ્તારમાં પ્રચાર પ્રસાર દરમ્યાન એક બસમાં ચઢ્યાં હતાં અને બસમાં સવાર મુસાફરોની ટીકીટના નાણાં પોતે ચુકવી બસમાં સવાર મતદારોને પોતેને મત આપવાની રજુઆત કરી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો બસમાં સવાર એક મુસાફરે પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી લઈ સોશીયલ મીડીયામાં વાઈરલ કરી દેતાં દાહોદ જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. અહીં વાઈરલ થયેલ વિડીયોમાં બચુભાઈ ખાબડ બસમાં સવાર મુસાફરોને કહેતા નજરે પડ્યાં હતાં કે, ભાડુ તમારે કોઈને આપવાનું નથી, તમારા બધાનું ભાડુ હું આપી દઉં છું, પરમ દિવસે દિવસે વોટ નાંખી આપજો, આ ઉચ્ચારણો સાંભળાતાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લામાં ભાજપા દ્વારા 6 એ 6 બેઠકો કબજે કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. મતદારોને રીઝવવાના પ્રયાસો પણ આચાર સંહિતા લાગી ગયાં બાદ પણ અંદર ખાને ચાલી રહ્યાં છે. ત્યારે આવતીકાલે એટલે કે તારીખ 5મી ડિસેમ્બરના રોજ મતદારોનો કેવા પ્રકારનો મીજાજ જોવા મળશે તે તો આવનાર તારીખ 8મી ડિસેમ્બરના રોજ પરિણામના દિવસેજ ખબર પડશે, પરંતુ દેવગઢ બારીઆ વિધાનસભા બેઠકના ઉમેદવાર બચુભાઈ ખાબડનો સોશિયલ મીડીયામાં વાઈરલ થયેલ આ વિડીયોને પગલે લોકોના મનમાં અનેક સવાલો પણ ઉઠવા પામ્યાં છે.