દેવગઢબારીઆમાં આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

  • નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દસ હજાર તિરંગાનું વિતરણ
  • આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત મનમોહક મહેંદી અને ઐતહાસિક ઈમારતોને બાળકોએ ચિત્રમાં કંડારી

દેવગઢબારીઆ નગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા થીમ આધારિત ત્રિ-દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શાળા-કોલેજો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા છે.

શનિવારના રોજ રણછોડરાય મંદિર સભા મંડપ ખાતે મહેંદી હરીફાઈ અને ચિત્ર સ્પર્ધાનું યોજાઈ હતી. જેમાં શાળા-કોલેજોના ૫૫૦ વિદ્યાર્થીઓ સહિત ઓપન વિભાગમાં નાગરિકોએ પણ ભાગ લીધો હતો. જેમાં શાળા- કોલેજોની દીકરીઓએ આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત મનમોહક મહેંદી મૂકીને સૌના દિલ જીતી લીધા હતા. ચિત્ર સ્પર્ધામાં પણ હર ઘર તિરંગા અભિયાન અને નગરની ઐતહાસિક ઈમારતોને બાળકોએ અવનવી રીતે રંગે રંગી હતી. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન હેઠળ દસ હજાર તિરંગાનું ડોર ટુ ડોર વિતરણ કરાયું હતું. જેને સજ્જડ પ્રતિસાદ સાંપડતા નગરજનોએ ઠેર ઠેર રાષ્ટ્રધ્વજ ફરકાવીને પ્રચંડ રાષ્ટ્રભક્તિ દર્શાવી છે.

આગામી ૧૪ ઓગસ્ટને રવિવારના રોજ ટાવર પાસે સાંજના સમયે દેશભક્તિ થીમ આધારિત ડાન્સ, લોકનૃત્ય, નાટક અને કોઈ પણ ગૃપ પ્રવૃતિઓ યોજાશે. ૧૫મી ઓગસ્ટ ૭૫માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે નગરપાલિકા કચેરી ખાતે સવારે ૯ કલાકે ચીફ ઓફિસર એમ.એલ.વણકરના વરદ હસ્તે અને સવારે ૯-૨૦ કલાકે કારોબારી અધ્યક્ષ સજ્જનબા ગોહિલના વરદ હસ્તે તેમજ સવારે ૯-૫૦ કલાકે ઐતહાસિક ટાવર ખાતે નગરપાલિકા પ્રમુખ ડો.ચાર્મી નીલ સોનીના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે.

તે જ સ્થળે અને સમયે વકૃત્વ સ્પર્ધા, શીઘ્ર વકૃત્વ સ્પર્ધા, ગીત હરીફાઈ અને વેશભૂષા જેવા દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. આમ, દેવગઢબારીઆ નગરપાલિકાએ આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાન હેઠળ દેશભક્તિને ઉજાગર કરતા નગરજનોમાં અનેરો ઉત્સાહ અને ઉન્માદ જોવા મળી રહયો છે.