દક્ષિણ કોરિયામાં પ્લેન ક્રેશ, 124નાં મોત:બેંગકોકથી આવતું પ્લેન એરપોર્ટ બાઉન્ડ્રી સાથે અથડાયું અને વિસ્ફોટ થયો; વિમાનમાં 181 લોકો હતા, 2ને જીવતા બચાવ્યા

બેંગકોકથી આવી રહેલું જેજુ એરની ફ્લાઈટ રવિવારે દક્ષિણ કોરિયાના મુઆન એરપોર્ટ પર ક્રેશ થઈ હતી. સમાચાર એજન્સી APના જણાવ્યા અનુસાર, પ્લેનમાં 181 લોકો સવાર હતા. તેમાં 175 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર હતા. અત્યાર સુધીમાં 124 મૃતદેહો મળી આવ્યા છે.

રેસ્ક્યુ ટીમે માહિતી આપી છે કે 2 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. બાકીના 55 મુસાફરોમાંથી ઘણાના મોતની આશંકા છે.આ અકસ્માત ભારતીય સમય મુજબ સવારે 5:37 વાગ્યે (સ્થાનિક સમય મુજબ સવારે 9:07 વાગ્યે) થયો હતો. પ્લેન મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું. તે જ સમયે લેન્ડિંગ ગિયરમાં ખામી સર્જાઈ હતી. આ કારણે તેના પૈડા ખુલીને નીચે આવતા ન હતા.

પૈડાં ન ખૂલતાં વિમાને ઈમરજન્સી બેલી લેન્ડિંગ કરાવ્યું હતું. આમાં પ્લેનની બોડી સીધી રનવે સાથે ટકરાય છે. આ દરમિયાન વિમાન રનવે પર લપસી ગયું અને એરપોર્ટની બાઉન્ડ્રી વોલ સાથે અથડાયું. વિમાન અથડાતાની સાથે જ ભારે વિસ્ફોટ થયો અને તે આગના ગોળામાં ફેરવાઈ ગયું.દુર્ઘટના બાદ એરપોર્ટ પરની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. અહીં તમામ લોકલ અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે.

જેજુ એરલાઈન્સનું જે પ્લેન ક્રેશ થયું તે અમેરિકન કંપની બોઈંગનું 737-800 પ્લેન હતું. વિમાને બે વખત એરપોર્ટ પર લેન્ડ કરવાની કોશિશ કરી. પહેલી કોશિશમાં લેન્ડિંગ ગિયર ન ખૂલવાને કારણે પ્લેન લેન્ડ થઈ શક્યું ન હતું. આ પછી વિમાને એરપોર્ટનાં ચક્કર લગાવ્યાં.બીજી વખત પાઇલટે લેન્ડિંગ ગિયર વગર પ્લેનને લેન્ડ કર્યું. ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દાવો કરવામાં આવી રહ્યો છે કે કોઈ પક્ષી પ્લેનની વિંગ સાથે અથડાયું હતું. જેના કારણે લેન્ડિંગ ગિયર બગડી ગયું અને લેન્ડિંગ વખતે ખૂલી શક્યું નહીં.

આગ ઓલવવામાં 43 મિનિટ લાગી હતી

મુઆન એરપોર્ટના ફાયર ઓફિસરે ન્યૂઝ એજન્સી રોઇટર્સ સાથે વાત કરતા જણાવ્યું કે પ્લેનમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જો કે આગ ઓલવવામાં 43 મિનિટ લાગી હતી.

હાલ દુર્ઘટના સ્થળે બચાવકાર્ય ચાલી રહ્યું છે. મોટાભાગના લોકો પ્લેનના પાછળના ભાગમાં હતા, તેમને ત્યાંથી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિમાનમાં સવાર મુસાફરોમાં 173 દક્ષિણ કોરિયન અને 2 થાઈ નાગરિકો હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બચી ગયેલા બંને ક્રૂ મેમ્બર છે.