ડેવિડ વોર્નરે આઇસીસી ટૂર્નામેન્ટ માટે નિવૃત્તિમાંથી યુ-ટર્ન લીધો

ટી ૨૦ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયન ટીમને સુપર-૮માં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ તે સેમિફાઈનલમાં પહોંચી શકી ન હતી અને વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ હતી. વર્લ્ડકપ બાદ ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નરે તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.

ડેવિડ વોર્નરે એક લાંબી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી હતી. જેના દ્વારા તેણે મોટી જાહેરાત કરી છે. તેણે લખ્યું- હું થોડો સમય ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવાનું ચાલુ રાખીશ. આ સાથે વોર્નરે કહ્યું કે જો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેને આવતા વર્ષે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પસંદ કરશે તો તે ઉપલબ્ધ રહેશે.

વોર્નરે આગળ લખ્યું – આટલા લાંબા સમય સુધી રમવું એક અવિશ્વસનીય અનુભવ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા મારી ટીમ હતી. મારી મોટાભાગની કારકિર્દી આંતરરાષ્ટ્રીય સ્તરે રહી છે. તે મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. આ પોસ્ટમાં તેણે પોતાની પત્ની, પ્રશંસકો અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ સાથીઓનો આભાર માન્યો હતો. તેણે આગળ લખ્યું- આ ટીમે છેલ્લા કેટલાક વર્ષોમાં અવિશ્વસનીય સફળતા હાંસલ કરી છે. આ લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે. પેટ કમિન્સ, એન્ડૂ મેક અને સ્ટાફે આ સિદ્ધિ મેળવી છે.

ડેવિડ વોર્નરે ૨૨ વર્ષની ઉંમરે ૨૦૦૯માં ઓસ્ટ્રેલિયા માટે ડેબ્યૂ કર્યું હતું. તેમની કારકિર્દી ૧૫ વર્ષ સુધી ચાલી હતી. આ સમયગાળા દરમિયાન, તેણે ૧૧૨ ટેસ્ટમાં ૮૭૮૬ રન, ૧૬૧ વનડેમાં ૬૯૩૨ રન અને ૧૧૦ T 20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ૩૨૭૭ રન બનાવ્યા હતા. વોર્નર વિશ્ર્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક છે. તેણે પોતાની શાનદાર કારકિર્દીમાં ઘણા રેકોર્ડ પણ બનાવ્યા. તેના નામે ૪૯ સદી અને ૯૮ ફિટીની મદદથી લગભગ ૧૯ હજાર રન છે. તેણે એક ટી ૨૦ વર્લ્ડકપ, બે વનડે વર્લ્ડકપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી છે.