દાવત: મુંબઈના ડબ્બાવાળાઓને અનુપમ ખેર, નીના ગુપ્તાએ પીરસ્યું ભોજન

મુંબઇ,

આગામી હિન્દી ફિલ્મ ’શિવ શાસ્ત્રી બલબોઆ’ના નિર્માતાઓએ એમની ફિલ્મના પ્રચારની સાથોસાથ, મુંબઈનાં લોકોને ટિફિન સેવા પૂરી પાડીને એમનું પેટ ભરનાર ડબ્બાવાળાઓનું પેટ ભરીને એમને ખુશ કરવાનો અનોખો કાર્યક્રમ યોજ્યો હતો. તે પ્રમોશનલ કાર્યક્રમમાં ફિલ્મનાં કલાકારો – અનુપમ ખેર, નીના ગુપ્તા, નરગીસ ફખરી વગેરેએ ડબ્બાવાળાઓને ભોજન પીરસ્યું હતું અને એમની સાથે બેસીને લંચ લીધું હતું.એ જ કાર્યક્રમમાં ડબ્બાવાળાઓના જ હસ્તે ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું.

’શિવ શાસ્ત્રી બલબોઆ’ ફિલ્મ ૧૦ ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થવાની છે. એમાં અનુપમ ખેર અને નીના ગુપ્તા ઉપરાંત જુગલ હંસરાજ, નરગીસ ફખરી, શારીબ હાશ્મી જેવા કલાકારો પણ છે. ફિલ્મના પટકથા લેખક અને દિગ્દર્શક છે અજયન વેણુગોપાલન.