દારૂ પીધેલી હાલતમાં પોતાની જ ઓફિસમાંથી ઝડપાયા ભાજપના નેતા, પોલીસે કરી ધરપકડ

ગાંધીનાં ગુજરાતમાં દારૂ બંધી કહેવત જાણે નિરર્થક નિવડતી હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ પોલીસ દ્વારા રોજ લાખો રૂપિયાનો દારૂ પણ ઝડપવામાં આવે છે. ત્યારે રાજકોટમાં ભાજપનાં જ પૂર્વ કોર્પોરેટ નશાની હાલતમાં પોલીસનાં હાથે ઝડપાઈ જવા પામ્યા હતા. સત્તાધારી પક્ષનાં જ પૂર્વ કોર્પોરેટર નશાની હાલતમાં ઝડપાયાની વાત વાયુ વેગે સમગ્ર રાજકોટમાં પ્રસરી જતા શહેરીજનોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં પૂર્વ કોર્પોરેટર તેમજ ભાજપનાં કાર્યકર આશિષ વાગડીયા ગત રોજ પોતાની ઓફીસમાં નશો કરી રહ્યા હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે આશિષ વાગડીયાની ઓફીસે તપાસ હાથ ધરી હતી. જ્યાં પૂર્વ કોર્પોરેટર પોતાની ઓફીસમાં નશાની હાલતમાં પોલીસનાં હાથ ઝડપાઈ જવા પામ્યા હતા. જે બાદ પોલીસે આશિષ વાગડીયાની ધરપકડ કરી તેઓને પોલીસ મથકે લઈ ગયા હતા. જે બાદ રાજકોટ પોલીસે ધરપકડ કરી જામીન આપ્યા હતા. ત્યારે ભાજપનાં જ પૂર્વ કોર્પોરેટર નશાની હાલતમાં ઝડપાતા આ મુદ્દો સમગ્ર રાજકોટમાં લોકમુખે ચર્ચાઈ રહ્યો હતો.