દેવગઢબારિયા, પોલીસ સામાન્ય રીતે દારૂને પકડતી હોય છે, રાજ્યમાં દારૂ પીવો અને દારૂની હેરફેર કરવી ગેરકાયદેસર છે તેથી પોલીસ દારૂ પકડે છે. પણ હવે પોલીસ સ્ટેશનમાંથી જ દારૂની ચોરી થાય તો. દેવગઢ બારિયાના પીપલોદ પોલીસ સ્ટેશનમાં આવો જ કિસ્સો બન્યો છે. અહીં પીપલોદના પોલીસ સ્ટેશનમાંથી જ દારૂ ચોરાઈ ગયો છે.
ગઈ ઓગસ્ટે વિજિલન્સ ટીમે ૪૪ લાખ રૂપિયાનો દારુ પકડ્યો હતો. દાહોદ એસપીને દારૂની પેટીઓ ગાયબ થયાની બાતમી મળી છે. એસપીની તપાસમાં દારૂની ૨૩ પેટીઓ ઓછી નીકળી. પોલીસે ચોરીમાં સંડોવાયેલા ૧૫ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. પીપલોદ પોલીસ સ્ટેશના એક કોન્સ્ટેબલ, સાત જીઆરડી અને બે ટીઆરબી સામે ગુનો નોંધાયો છે. ૧૫ આરોપીમાંથી આઠ આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આમ દારૂ માટે બુટલેગરો પકડાય ત્યારે અહીં તો દારૂ માટે પોલીસે જ પોલીસને પકડવાની ફરજ પડી છે.
પણ પોલીસ વર્તુળો કહે છે કે આવું કઈ દેવગઢ બારિયામાં જ પહેલી વખત બન્યું છે તેવું નથી, પણ છીંડે ચઢ્યો તે ચોર કહેવત આ કિસ્સામાં લાગુ પડે છે. બાકી જ્યારે પણ પોલીસ દારૂનો જથ્થો પકડે છે ત્યારે તેમાથી અમુક હિસ્સો સગેવગે જ કરી દેવામાં આવે છે. આ વખતે કદાચ વધુ પડતો જથ્થો સગેવગે કરાયો અથવા તો સરખી રીતે તેને વહેંચાયો લાગતો ન હોવાથી મામલો બહાર પડ્યો છે.
પોલીસ વર્તુળો અંગે આ અંગે મજાક ચાલી રહી છે કે લાગે છે કે દારૂની ભાગબટાઈ સરખી રીતે થઈ નથી. જો કે હવે જે રીતે એક કિસ્સો બહાર આવ્યો છે તે જોતાં આગામી દિવસોમાં પણ વધુ કિસ્સા બહાર આવશે તો નવાઈ નહી લાગે.