પાલનપુર, ડમી સીમકાર્ડનો મામલો બનાસકાંઠા જિલ્લામાં સામે આવ્યો છે. ડમી સીમકાર્ડ નિકાળીને તેને એક્ટિવ કરીને દારુની હેરાફેરીમાં વાપરવામાં આવતા હોવાનો ખુલાસો પોલીસ સમક્ષ થયો છે. બનાસકાંઠા પોલીસે ચોંકાવનારી વિગતો સામે આવ્યા બાદ ચાર લોકોની ધરપકડ કરી છે. જેમાં એરટેલ કંપનીના પ્રમોટરની પણ અટકાયત કરવામાં આવી છે. એલસીબીએ આ અંગે વધુ તપાસ શરુ કરી છે.
થોડાક સમય અગાઉ દારુની હેરાફેરી ઝડપાઈ હતી. જેને લઈ પોલીસે તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. દારુની હેરાફેરી માટે ઉપયોગમાં લેવામાં આવતા મોબાઈલ સીમ કાર્ડ ડમી હોવાનુ સામે આવ્યુ છે. ચોંકાવનારી વિગતોનો પર્દાફાશ થવા સાથે જ એલસીબીએ ચાર આરોપીઓને ઝડપી લીધા છે.
એલસીબીએ એરટેલ કંપનીના પ્રમોટરની પણ અટકાયત કરીને તપાસ શરુ કરી છે. પાલનપુરના મડાણા ગામનો સાહીલ સુલતાનભાઈ મીરે ખોડલા ગામના મનુભાઈ નાયીના નામનુ સીમકાર્ડ ડમી નિકાળ્યુ હતુ. જે મનુભાઈની જાણ બહાર સીમ નિકાળવામાં આવ્યુ હતુ. જે કાર્ડને બારોબાર જ વેચી દીધુ હતુ. ડોક્યુમેન્ટનો દુર ઉપયોગ કરીને ખોટી રીતે સીમકાર્ડ નિકાળીને ઉપયોગમાં લેવાને લઈ પોલીસે તપાસ શરુ કરી છે.